ભુજ, તા. 10 : આજે વહેલી પરોઢે બન્ની વિસ્તારના
હોડકોની સીમમાં ગામના 23 વર્ષીય યુવાન
ઇસ્માઇલ ઇબ્રાહીમ હાલેપૌત્રાની હત્યા નીપજાવેલી લાશ આજે પરોઢે ચાર વાગ્યે મળતા ચકચાર
મચી છે. ફરિયાદમાં પાંચ શકમંદોના નામ જાહેર કરાયા છે. આ ચકચારી હત્યાના બનાવ અંગે ધોરડો
પોલીસ મથકે હોડકોના ઇશાભાઇ અમીનભાઇ હાલેપૌત્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના બાજુમાં
મોટાબાપુના દીકરા ઇબ્રાહિમ મોલેના રહે છે. ગઇકાલે સવારે નથુવાણીવાંઢની મસ્જિદમાં નમાજ
પઢીને બહાર નીકળતા તેમના ભાઇ ઇબ્રાહીમે તેમને પુછયું કે, મારો દીકરો ઇસ્માઇલ તમારી જોડે છે ?
ગઇકાલે રાત્રે નવ-સાડા નવ વાગ્યે ઘરથી ગયા બાદ પરત નથી આવ્યો. તેનો ફોન
પણ સ્વીચઓફ છે. આથી અમે બધા ગઇકાલ સવારથી જ તેની શોધખોળમાં લાગી ગયા હતા. પરંતુ મારો
ભત્રીજો ઇસ્માઇલ કયાંય મળી આવ્યો નહીં. દરમ્યાન આજે વહેલી સવારે ચાર વાગ્યાના ગામની
સીમમાં ઉધમા કડોવાળી જગ્યાએ જંગલ વિસ્તારમાં બાવળોની ઝાડીમાં મરણ અવસ્થામાં મળ્યો હતો.
તેની ગરદનના ભાગે કોઇ તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા. એમ તેની કરપીણ હત્યા નીપજાવાઇ છે. આ બનાવમાં રાજવાણી-વાઢમાં
રહેતા અબ્દુલા હૈદર હાલેપૌત્રા, હનીફ અબ્દુલા હાલેપૌત્રા,
મુસ્તાક અબ્દુલ હાલેપૌત્રા, જ્ઞાનુ મામદ હાલેપૌત્રા
અને ઇશા કાદુ હાલેપૌત્રાએ સાથે મળી ઇસ્માઇલની હત્યા નીપજાવ્યાની શંકા હોવાનું ફરિયાદમાં
લખવાયું છે. આ હત્યા અંગે ધોરડો પોલીસે ગુનો દાખલ કર્યો હતો. તપાસકર્તા પી.આઇ. શ્રી
ચાવડાનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, શંકમંદોના નામ લખાવાયા
છે. તેની પૂછતાછ બાકી છે. બનાવ પાછળના કારણો સહિતની તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું
હતું.