ગાંધીધામ, તા. 10 : શહેરમાં ખોટી પાવર ઓફ એટર્ની
બનાવી બેંકમાંથી મકાનના દસ્તાવેજ છોડાવી લેવાના કેસમાં અહીંની કોર્ટે મહિલા ધારાશાત્રીના
જામીન નકારી દીધા હતા. આદિપુરમાં રહેતા એક પતિએ પોતાની પત્ની સામે છેતરપિંડીનો ગુનો
દાખલ કરાવ્યો હતો, જેમાં ખોટી
પાવર ઓફ એટર્ની બનાવી બેંકમાંથી મકાનના દસ્તાવેજ છોડાવી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં
તપાસ દરમ્યાન ધારાશાત્રી પાયલ પુષ્કરસિંઘનું નામ બહાર આવ્યું હતું. આ ધારાશાત્રીએ ફરિયાદીની
જાણ બહાર તેમનાં નામના સ્ટેમ્પ પેપર મેળવી, ખોટી સહી કરી,
બનાવટી સહી કરી, નોટરી કરી, ખોટી પાવર ઓફ એટર્નીને બેંકમાં સાચા તરીકે રજૂ કરી મકાનના અસલ દસ્તાવેજ મેળવી
લેવાયા હતા. આ ધારાશાત્રીએ પાવર ઓફ એટર્ની પેપરમાં લખાણ તૈયાર કરી તેમાં ફરિયાદી,
સાક્ષીની સહી કરી બાદમાં તેને નોટરી એડવોકેટ સમક્ષ ફરિયાદીની ગેરહાજરીમાં
નોટરી કરાવી હતી. આ પ્રકરણમાં તપાસ દરમ્યાન ધારાશાત્રીનું નામ બહાર આવ્યા બાદ તેમણે
આગોતરા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ન્યાયાધીશ એલ.ડી. વાઘએ
બંને પક્ષોને સાંભળી બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મહિલા ધારાશાત્રીના આગોતરા ફગાવી દીધા
હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કુમારી હિતેશી પી. ગઢવીએ હાજર રહી ધારદાર રજૂઆતો
કરી હતી.