• બુધવાર, 11 માર્ચ, 2026

ગુજરાત વિધાનસભામાં સર્જાઇ ભારે ધમાલ

અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન આજે ફરી એકવાર સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર શબ્દયુદ્ધ જોવા મળ્યું હતું. ખાસ કરીને પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જીતુ વાઘાણી અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારવચ્ચેની તુ-તુ-મેં-મેં એ ગૃહના વાતાવરણને ગરમાવી દીધું હતું. ચર્ચાની શરૂઆતમાં જીતુ વાઘાણીએ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, ` અમે અગાઉની 7 વિધાનસભા બેઠકો જીત્યા છીએ અને આવનારી 8મી વિધાનસભા બેઠક પણ ભાજપ જ જીતશે. ` તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જનતાએ તેમને નકારી દીધા છે. જોકે, વાત ત્યારે વણસી જ્યારે વાઘાણીએ કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર અંગત પ્રહારો શરૂ કર્યા. ગૃહમાં બોલતા જીતુ વાઘાણીએ વારંવાર સોનિયા ગાંધીનું નામ લઈને કટાક્ષ કર્યા હતા.તેમણે વધુમાં કહ્યું કે વિકાસ માટે દેશને એક્સપોર્ટ કરવાની વિચારસરણી જોઈએ, પરંતુ કોંગ્રેસને આ બાબત સમજાતી નથી. તેમણે વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ` કોંગ્રેસના નેતા ઇમ્પોર્ટ થઈને આવ્યા છે, જ્યારે દેશને નરેન્દ્રભાઈ મોદી જેવા સ્વદેશી નેતાની જરૂર છે. ` જીતુભાઇ વાઘાણીએ સોનિયા ગાંધીને 'ઇમ્પોર્ટેડ નેતા' કહીને સંબોધતા વિપક્ષી બેન્ચ પર બેઠેલા કોંગ્રેસના ધારાસભ્યો ઉશ્કેરાયા હતા.  જીતુ વાઘાણીના આ આકરા તેવર સામે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે મોરચો સંભાળ્યો હતો. તેમણે વાઘાણીને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે, 'તમે તમારી લિમિટમાં રહો. જો તમે મર્યાદા ઓળંગશો તો મારે પોઇન્ટ ઓફ ઓર્ડર ઊભો કરવો પડશે.' શૈલેષ પરમારે વધુમાં ઉમેર્યું કે જો તેઓ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવશે તો બધું જ સત્તાવાર રેકોર્ડ પર નોંધાશે, જે ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ આમને-સામનેની લડાઈમાં બંને પક્ષો વચ્ચે સૂત્રોચ્ચાર અને બોલાચાલી થતાં ગૃહમાં થોડા સમય માટે તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું.આ ઘટનાએ ફરી એકવાર રાજ્યની રાજનીતિમાં રાજકીય તીખાશના માહોલને ચર્ચાનો વિષય બનાવી દીધો છે. 

Panchang

dd