ગાંધીધામ, તા. 10 : ગાંધીધામમાં ટ્રક હડફેટે ચડતા
સુરેશ ધનુમહતે કુશ્વાહ (ઉ.વ. 56)એ જીવ ખોયો
હતો, જ્યારે માંડવી તાલુકાના મોડકૂબાની વાડીમાં મૂળ
પંચમહાલ બાજુના 36 વર્ષીય શ્રમિક
યુવાન પ્રવીણ ઉર્ફે પોપટભાઈ રમણભાઈ નાયક ગઈકાલે પાણીની મોટર બંધ કરવા જતાં તેને શોર્ટ
લાગતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ આદિપુરમાં મૈત્રી શાળાની સામે એસ.ટી.એચ. વિસ્તારમાં રહેનાર હાર્દિક
હેમંત ભટ્ટ (ઉ.વ. 40) નામના યુવાને
અને ભચાઉ નવાગામમાં સતિષ કુમાર (ઉ.વ. 33) નામના યુવાને ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. જીવલેણ અકસ્માત
ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. સામે બન્યો હતો. ટ્રક નંબર જીજે-32-ટી-2375નો ચાલક સુરેશપ્રસાદ ગાંધીધામ
માલ ખાલી કરી પરત કંડલા જવા નીકળ્યા હતા, રસ્તામાં પાણી પીવા આધેડે ગાડી બાજુએ મૂકી નીચે ઊતરીને જઈ રહ્યા હતા,
તેવામાં ટ્રક નંબર જીજે-12-એઝેડ-7308એ તેમને હડફેટમાં
લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ
જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે કંચનપ્રસાદ કુશ્વાહે પોલીસ
મથકે ફરિયાદ નોંધાવી હતી. માંડવી તાલુકાના મોડકૂબામાં બળવંતસિંહ જાડેજાની વાડી પર રહી
ત્યાં શ્રમિકે તરીકે કામ કરતા મૂળ ઢીકવા, તા. હાલોલ, જિલ્લો પંચમહાલના પ્રવીણ ઉર્ફે પોપટભાઈ નાયકા
ગઈકાલે સાંજે વાડી પર આવેલી પાણીની મોટર બંધ કરવા જતા તેમને જોરદાર ઈલેક્ટ્રિક શોર્ટ
લાગ્યો હતો, આથી તેમને સારવાર અર્થે ગઢશીશાની સરકારી હોસ્પિટલમાં
ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પત્ની નીતાબેને ગઢશીશા
પોલીસ મથકે વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
હતી. આદિપુરમાં મૈત્રી સ્કૂલની સામે એસ.ટી.એચ. 100, 101માં રહેનાર હાર્દિક ભટ્ટ નામના
યુવાને ગઈકાલે સવારના અરસામાં અંતિમ પગલું ભરી લીધું હતું. તેના માતા-પિતા દર્શન કરવા
વૈષ્ણોદેવી ગયા હતા પાછળ યુવાન એકલો ઘરે હતો, દરમ્યાન તેણે અકળ કારણોસર સ્ટોર રૂમમાં પ્લાસ્ટિક તથા નળી બાંધી ગળેફાંસો ખાઈ
પોતાનો જીવ દીધો હતો. બનાવ પછવાડેનું સચોટ કારણ જાણવા આગળની વધુ તપાસ પી.એસ.આઈ. આર.એમ.
દુવાએ હાથ ધરી છે. અચાનક યુવાનના આપઘાતની ગમગીની પ્રસરી હતી. વધુ એક બનાવ ભચાઉના નવાગામમાં
બન્યો હતો. અહીં જેક્વાર કંપનીની વસાહતમાં રહેનાર સતીષકુમાર નામના યુવાને અગમ્ય કારણોસર
ફાંસો ખાઈ જીવ દીધો હતો. બનાવ પછવાડેના કારણ જાણવા આગની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.