ભુજ, તા. 21 : ગઇકાલે
રાત્રે તાલુકાનાં ઝુરાની ગૌશાળા પાસે શિકાર કરવા માટે આવેલાં સાત-આઠ જણના ટોળાંએ ત્રણ
યુવાનને પડકારતાં શિકારનાં હથિયાર કુહાડી અને છરી તથા લાકડી-ધોકાથી જીવલેણ હુમલો કર્યાનો
ચોંકાવનારો બનાવ બન્યો હતો. આ જીવલેણ હુમલા અંગે ઝુરા કેમ્પના અનિરુદ્ધસિંહ ભીમજી સોઢાએ માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 20/10ના રાત્રે નવ-દશ વાગ્યે તે ગૌશાળાથી આગળ પગે ચાલી જતા હતા, ત્યારે ચોકીદાર નવલસિંહ છાંગાજી સોઢા
સાથે વાતો કરતા હતા, તે સમયે ગૌશાળા બાજુ બાવળોની ઝાડીમાંથી ઝુરા
કેમ્પના રજાક લધા અબડા અને તેનો ભાઇ બંને લાકડી સાથે તેમજ શકુર અભા સુમરા ધોકો અને
ટોર્ચ સાથે તથા જતવાંઢ વાળો સાજણ નાથા જત છરી લઇને અને ભીટારાનો અનવર જત હાથમાં કુહાડી
લઇને તેમજ ઝુરા કેમ્પનો જખુ મહેશ્વરી ટોર્ચ સાથે ઉપરાંત બીજા બે-ત્રણ જણ ધોકા સાથે
ગૌશાળા જવાના રસ્તે આવ્યા હતા. આથી નવલસિંહે
કહ્યું કે, તમે અગાઉ
સાતેક મહિના પહેલાં પણ સસલાં અને રોજનો શિકાર કરવા આવ્યા હતા, ત્યારે આગેવાનો સાથે મળીને સમાધાન કર્યું હતું. છતાં ફરી કેમ શિકાર કરવા આવ્યા
છો ? તેમ કહેતા આરોપીઓ
એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને કહ્યું કે, અમને રોકવાવાળા
તમે કોણ છો કહી આડેધડ લાકડીઓ અને છરીથી મારવા લાગ્યા હતા. ફરિયાદીને
અનવરે માથામાં કુહાડી મારી હતી. રાડારાડ
થતાં પ્રવીણસિંહ સોઢા વચ્ચે પડતાં તેને પણ માર મરાયો હતો. નવલસિંહને આંખ, જડબા તથા માથાંના ભાગે
તેમજ પગમાં માર માર્યો હતો. અન્ય લોકો બચાવમાં આવી પહોંચતાં આરોપીઓ નાસી છૂટયા હતા.
ત્રણે ઘાયલને સારવાર અર્થે ભુજ ખસેડાયા હતા.
માધાપર પોલીસે હત્યાના પ્રયાસ, મહાવ્યથા અને હથિયાર બંધી ભંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી પીએસઆઇ વી. જી.પરમારે
તપાસ હાથ ધરી છે.