• રવિવાર, 16 જૂન, 2024

ગાંધીધામની ભાગોળે ટ્રક હડફેટે બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત

ગાંધીધામ / ભુજ, તા. 31 : ગાંધીધામ શહેરમાં નૂરી મસ્જિદ નજીક હમજા પાર્કિંગ પાસે આગળ જતાં બાઇકને પાછળથી આવતા ટ્રેઇલરે હડફેટમાં લેતાં બાઇકચાલક નૌતમસિંઘ દુર્ગાસિંઘ ચૌહાણ (ઉ.વ.33)નું શરીર છુંદાઇ જતાં આ યુવાનનું કમકમાટીભર્યું મોત?થયું હતું. બીજીતરફ ગત તા. 26/5ના રાત્રે માનકૂવા પાસે છોટા હાથી અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇકસવાર સામત્રાના 31 વર્ષીય યુવાન આસુભા ઉમરસંગ વાઘેલા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. ગળપાદરના સ્વસ્તિક નગરમાં રહેનાર ગૌતમસિંઘ ચૌહાણનું આજે સવારે મોત થયું હતું. ટ્રાન્સપોર્ટ પેઢીમાં કામ કરનાર આ યુવાન બાઇક નંબર જી.જે. 12 ઇ.ડી. 1876 લઇને ગાંધીધામ આઇસીઆઇસીઆઇ બેન્કમાં કામ અર્થે આવી દરમ્યાન નૂરી મસ્જિદ નજીક હમજા પાર્કિંગ સામે તેને અકસ્માત નડયો હતો. પોલીસે વિગતો  આપતાં જણાવ્યું હતું કે, આ યુવાન બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યારે પાછળથી આવતા ટ્રેઇલર નંબર આર.જે. 52 જી.એ.-3140એ આ બાઇકને હડફેટમાં લીધી હતી, જેમાં આ યુવાનનું શરીર છુંદાઇ જતાં તેનું બનાવ સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવ બાદ લોકો એકઠા થઇ ગયા હતા. ટ્રેઇલરચાલક વિરુદ્ધ ઇન્દ્રજિતસિંઘ અર્જુનસિંઘ રાણાવતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અપમૃત્યુનો એક બનાવ શિકારપુર ફાટકથી 200 મીટર કટારિયા તરફ રેલવે પાટા ઉપર બન્યો હતો. શિકારપુરમાં રહેનાર ઇરફાન નામનો કિશોર ખેતરથી પોતાના ઘર તરફ ચાલી એકલો જઇ રહ્યો હતો, દરમ્યાન તેને ત્યાં વીજશોક લાગતાં આ કિશોરે દમ તોડી દીધો હતો. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજીતરફ ગત તા. 26/5ના સામત્રા રહેતા 31 વર્ષીય યુવાન આસુભા વાઘેલા તેની પલ્સર બાઇક નં. જી.જે. 12 બી.ડી. 6595 લઇને ભુજ મિત્રને મળવા ગયો હતો અને રાત્રે પરત ફરી રહ્યો હતો ત્યારે સુખપર-માનકૂવા વચ્ચે નરનારાયણ સોસાયટીથી માનકૂવા તરફ થોડે આગળ છોટા હાથી નં. જી.જે. 12 બી.એક્સ. 8323વાળાએ પૂરઝડપે બેદરકારીથી ચલાવી બાઇક સાથે અકસ્માત કરતાં આસુભાને ગંભીર ઇજા થતાં પ્રથમ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા જ્યાં તા. 30/5ના સારવાર દરમ્યાન અંતિમશ્વાસ લીધા હતા. માનકૂવા પોલીસ મથકે આસુભાના પિતા ઉમરસંગે છોટા હાથીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang