ભુજ, તા. 17 : ભુજથી માતાના મઢ પદયાત્રાએ
જતા મુંબઈના 45 વર્ષીય યુવાન ધર્મેશભાઈ સુભાષચંદ્ર
પંડયાને દેશલપરના દાદા-દાદી પાર્ક પાસે સામેથી આવતી બોલેરોએ કચડી નાખતાં તેનું માથામાં
ગંભીર ઈજાનાં પગલે કરુણ મૃત્યુ થયું હતું. બીજી તરફ ભુજની ભાગોળેના રુદ્રમાતા પાસે
બાઈક અને ગાડીની ટક્કરમાં બાઈકસવાર 25 વર્ષીય યુવાન યુવરાજસિંહ ગુલાબસિંહ જાડેજાનું પણ માથાંની ગંભીર
ઈજાના લીધે મોત થતાં અરેરાટી વ્યાપી હતી. દરમ્યાન ભુજ તાલુકાના ભારાસસરમાં 23 વર્ષીય યુવતી દીપાલીબેન સામજીભાઈ
સીજુએ, જ્યારે ગાંધીધામના સુંદરપુરીમાં 25 વર્ષીય યુવાન દિનેશભાઈ કરશનભાઈ
મહેશ્વરીએ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. મુંબઈમાં રહેતા ધર્મેશભાઈ પંડયા હાલમાં આવી રહેલી
ચૈત્રી નવરાત્રિનાં પગલે ભુજથી માતાના મઢ પદયાત્રાએ ગઈકાલે રવાના થયા હતા અને રાત્રે
બે વાગ્યા આસપાસ દેશલપર-મંજલ વચ્ચે દાદા-દાદી પાર્ક પાસે પહોંચ્યા, ત્યારે સામેથી આવતી બોલેરોએ તેમને ટક્કર મારતાં
માથાં તથા હાથ પર ગંભીર ઈજાનાં પગલે તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો મૃતક
ધર્મેશભાઈના ફઈયાઈ ભાઈ એવા ભાવેશભાઈ નટવરભાઈ પંડયા (રહે. સીમંધર સિટી, ભુજ)એ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરી હતી. બનાવ અંગે નખત્રાણા પોલીસને
જાણ કરાઈ છે. બીજી તરફ આજે સવારે 6:30 વાગ્યાના અરસામાં રુદ્રમાતા નજીક માર્ગ પર ગાડી અને બાઈકના અકસ્માતમાં
બાઈક પર સવાર યુવાન યુવરાજસિંહ જાડેજાને માથામાં ગંભીર ઈજા થતાં તેને 108 મારફત સારવાર અર્થે ભુજની જી.કે.
જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ
સારવાર નસીબ થાય તે પહેલાં જ તેણે દમ તોડી દીધાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર
કરાઈ છે. આ ઉપરાંત ભુજ તાલુકાના ભારાસરમાં રહેતી 23 વર્ષીય યુવતી દીપાલીબેન સીજુએ
ગઈકાલે રાતે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેના કાકા ઘનશ્યામભાઈ
સીજુ તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં રાતે ફરજ
પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગત પોલીસ ચોકીમાં લખાવાઈ છે. ગાંધીધામના સુંદરપુરીમાં મહેશ્વરી સમાજવાડી સામે
રહેતા યુવાન દિનેશભાઈ મહેશ્વરીએ કોઈ અકળ કારણે ગઈકાલે સાંજે પોતાના ઘરે પંખામાં ચાદર
વડે ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો
દાખલ કરી તપાસ હાથ ધરી છે.