ભુજ, તા. 5 : શહેરના કેમ્પ વિસ્તારમાં ટી.બી.
હોસ્પિટલ બાજુ રહેતા નિવૃત્ત દંપતીના ઘરના કબાટમાંથી અમુક ઘરેણા અને રોકડની ઉઠાંતરી
થતાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે નિવૃત્ત શિક્ષક એવા 63 વર્ષીય સબ્જાઅલી હબીબ ખોજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો દીકરો
આફ્રિકા અને દીકરી મુંબઇ રહે છે. અહીં તેઓ તથા તેમના પત્ની રહે છે. તા. 15/2ના તેમના સામાજિક પ્રસંગમાં
પત્ની દિલસાદબેને ઘરેણાં પહેર્યાં હતાં અને બીજા દિવસે ઘરેણાં કબાટમાં રાખ્યાં હતાં.
તા. 23/2ના ઘરેણાંનું જોખમ ઘરે ન રખાય
તેવું નક્કી કરી બેન્કમાં લોકરમાં રાખવા તિજોરી ખોલતાં તેમાંથી અમુક ઘરેણાં જોવામાં
આવ્યાં ન હતાં. જેમાં સોનાની બે બંગડી વજન આશરે 2.8 તોલા, લેડીઝ
વીંટી- પાંચ વજન એક તોલા, એક જેન્ટ્સ વિંટી વજન અડધો તોલો,
2.5 તોલાનું એક બ્રેસ્લેટ, એક તોલાની ઝુમ્મરની જોડી એમ કુલે 7.5 તોલાનાં સોનાંનાં ઘરેણાં તથા
કબાટમાં રાખેલા રોકડા રૂપિયામાંથી પણ અમુક રૂપિયા કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ
ગયો છે. આ ચોરી સામે આવતાં ઘરના તમામ બારી-દરવાજા અને કબાટ-તિજોરી ચકાસતાં ક્યાંય ભાંગતૂટના
નિશાન ન મળતાં આ ચોરી કોઇ નજીકની વ્યક્તિ કે જાણભેદુએ કરી હોવાનું લાગતાં તેઓએ પોતાની
રીતે શોધખોળ કરી હતી. આ વચ્ચે ફરિયાદીના કાકીનું અવસાન થતાં તે તેમાં રોકાઇ ગયા હોવાથી
આજે ફરિયાદ નોંધાવી હતી.