મુંદરા, તા. 15 : વહીવટી તંત્ર દ્વારા આજથી શરૂ
કરાયેલી ગેરકાયદે દબાણો હટાવવાની સામૂહિક કાર્યવાહી અંતર્ગત આ તાલુકાનાં ધ્રબ ગામની
સીમમાં ત્રણ હોટેલ-રેસ્ટોરન્ટ સહિત જુદાં-જુદાં સાત વ્યવસાયી સ્થાનનાં સ્વરૂપમાં થયેલી
પેશકદમી દૂર કરાઈ હતી. આ કામગીરીમાં 95.70 લાખ રૂપિયાનાં મૂલ્યની 1450 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ હતી. સત્તાવાર સાધનોએ જારી કરેલી
વિગતો અનુસાર ધ્રબની સીમમાં સર્વે નંબર 169 ખાતેની સરકારી પડતર ઉપર ગેરકાયદે દબાણ કરીને ઊભા કરાયેલાં વિવિધ
સાત વ્યવસાયી સ્થાન ધ્વસ્ત કરીને દૂર કરાયાં હતાં. જિલ્લા કલેક્ટરનાં સૂચના-માર્ગદર્શન
અને પ્રાંત અધિકારી બી.એચ. ઝાલાની નિગરાની હેઠળ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.
ધ્રબના સીમાડામાં સરકારી જમીન ઉપર ઊભી કરી દેવાયેલી ત્રણ હોટેલ-રેસ્ટોરન્ટ ઉપરાંત ત્રણ
દુકાન અને એક ભંગારના વાડામાં દબાણને દૂર કરાયાં હતાં. કુલ્લ 1450 ચો.મી. સરકારી જમીન ખુલ્લી
કરાઈ હતી. આ સરકારી જમીનની કિંમત 95.70 લાખ થાય છે. દબાણો હટાવાયા બાદ સંબંધિતોને સત્તાવાર નોટિસો અપાઈ
હતી. આજે સવારે યંત્રસામગ્રી સાથે 11 વાગ્યે આરંભાયેલી આ ઝુંબેશમાં મામલતદાર કે.એસ. ગોદિયા સાથે પોલીસ
ઈન્સ્પેક્ટર રાકેશ ઠુંમર અને પોલીસ ટીમ ઉપરાંત
સર્કલ ઓફિસર એચ.પી. રાજગોર, નાયબ મામલતદાર
(દબાણ) એલ.કે. ગઢવી તથા પી.જી.વી.સી.એલ.ની ટુકડી જોડાઈ હતી.