• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

કિડાણાના કુખ્યાત શખ્સોના ગેરકાયદે બાંધકામોનો સફાયો

ગાંધીધામ, તા. 8 : પૂર્વ કચ્છ પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધની ધોંસ રૂપી ઝુંબેશ જારી રાખી છે. તાલુકાના કિડાણામાં રહેનારા ત્રણ શખ્સોએ બિનઅધિકૃત બાંધકામ કર્યું હોવાનું બહાર આવતા પોલીસે મ.ન.પા.ને સાથે રાખીને આ ત્રણેય શખ્સોના દબાણો તોડી પડાયા હતા. આ વેળાએ   ગામમાં પોલીસનો ખડકલો કરાયો હતો. કિડાણામાં રહેનારા વસીમ હાજી આમદ સોઢા નામના શખ્સ વિરુદ્ધ ગાંધીધામ બિડિવિઝનમાં મારામારી બે ગુના નોંધાયેલો છે તેના ભાઇ ઇકબાલ હાજી આમદ સોઢા સામે ગાંધીધામ બિડિવીઝનમાં ચોરીની ફરિયાદ નોંધાવેલી છે. તથા ગામનાં જ સુલ્તાન ગની છુછીયા વિરુદ્ધ આદિપુરમાં લૂંટ સહિતની કલમે તળે તથા ગાંધીધામ બિડિવીઝનમાં ગુજરાત નાણા ધીરાણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલો છે. વસીમ નામના શખ્સે પોતાના આર્થિક ફાયદા માટે કિડાણા યોગેશ્વર સોસાયટી પોતાના ઘરની સામે અવર જવરવાળા રસ્તા પાસે બિનઅધિકૃત બાંધકામ કરી દુકાનો તથા ઘર આગળ પાર્કિગના ઉપયોગ માટે પતરાનો શેડ, સોસાયટીના કોમન પ્લોટ પર ગેરકાયદેસર દુકાનો બનાવી સરકારી જમીનમાં 1000 ચોરસ ફૂટ જેટલું દબાણ કર્યું  હોવાનું બહાર  આવ્યું હતું. ઇકબાલ સોઢાએ યોગેશ્વર નગર પ્લોટ નંબર 358 પાસે પોતાની સગવડ માટે સરકારી પ્લોટમાં 1000 ચોરસ ફૂટના ચાર પ્લોટમાં દબાણ કરી 4000 ચોરસ ફૂટ જગ્યા દબાવી હતી. તેમજ સુલ્તાન છુછીયાએ કિડાણા સેવન સ્કાય સોસાયટીમાં 10 દુકાનો બનાવી તેમાં સર્વિસ સ્ટેશન બનાવી સરકારી પ્લોટમાં 1000 ચોરસ ફૂટ દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ત્રણેયની યાદી ગાંધીધામ મહાનગરપાલિકાને સોંપી હતી મ.ન.પા.એ સ્થળ તપાસ કરતા બિનઅધિકૃત બાંધકામ બહાર આવ્યા હતા. દરમ્યાન આ ત્રણેય શખ્સોને નોટિસ પાઠવવામાં આવી હતી જેનો સમયગાળો પૂર્ણ થતાં આજે પોલીસ બંદોબસ્ત સાથે મ.ન.પા.ની ટીમ અહીં પહોંચી હતી. આજે કિડાણા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. પોલીસની હાજરીમાં એક બાદ એક આ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. બિનઅધિકૃત રીતે કબજો કરી બાંધકામ કરાયેલ આ તમામ દુકાનો, શેડ, દિવાલો તોડી પાડવામાં આવી હતી. આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રહેશે તેવું પોલીસે જણાવ્યું હતું. ત્યારે અન્ય પોલીસ મથકોની હદમાં આવતા અસામાજિક તત્વોના આવા દબાણો કયારે દૂર કરાશે તેવું લોકો પુછી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd