ગાંધીધામ, તા. 21 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી
નજીક એક્ટિવાચાલકને આંતરીને મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સે ધોળા દિવસે રોકડા રૂા. સાત લાખની લૂંટ ચલાવીને પલાયન થયા હતા. આ બનાવને લઈને
પોલીસબેડામાં દોડધામ મચી હતી. અંજારથી મેઘપર બોરીચી તરફ જતા રસ્તા ઉપર રેલવે પુલિયા પાસે આજે સાંજે
ચાર વાગ્યાના અરસામાં આ લૂંટનો બનાવ બન્યો
હતો. આ અંગે બેન્સાના માલિક વીરેન્દ્રકુમાર ઉર્ફે લાલો શામજી કેસરાણીએ અજાણ્યા આરોપી
વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ વ્યાપારિક વ્યવહાર માટે પોતાને ત્યાં
કામ કરતા પ્રવીણભાઈ મેર (ઉ.વ. 27)ને ચેક આપી અંજારમાં માનવ હોટેલ પાસે આવેલી ઈન્ડસઈન્ડ બેંકમાંથી રોકડ રકમ ઉપાડવા મોકલ્યા
હતા. આ યુવાને બેંકમાંથી રોકડા રૂા. 10 લાખ ઉપાડયા હતા. બેન્સામાં
કામ કરતો યુવાન એક્ટિવા વાહન લઈને બેંકમાંથી રોકડ ઉપાડીને બેન્સામાં પરત જવા નીકળ્યો હતો. દરમ્યાન મેઘપર બોરીચી પાસે આવેલા
રેલવે પુલિયા પાસે બે અજાણ્યા શખ્સે ચાલુ વાહનને રોકડ લઈને જતા યુવાનને આંતરી લાત મારી તેને ફગાવી દીધો હતો. જમીન
ઉપર પડેલા આ યુવાનને લાત મારીને લૂંટારુઓએ
એક્ટિવા વાહનની ડિકી ખોલી તેમાંથી રોકડા રૂા. સાત લાખ લઈને પલાયન થયા હતા. ભોગ
બનનારા યુવાનના ખિસ્સામાં
પડેલા રૂા. ત્રણ લાખ સુરક્ષિત રહ્યા
હતા. લૂંટના બનાવને અંજામ આપતાં પહેલાં રેકી
કરીને ગુનો આચર્યો હતો. લૂંટારુઓ જાણભેદુ
હોવાની પણ શંકાના આધારે પોલીસે આ દિશામાં
તપાસ આરંભી છે. લૂંટના ગુનાને અંજામ આપવા આવેલા શખ્સોએ પોતાના ચહેરો સંતાડયો
હોવાનું પણ પોલીસે ઉમેર્યું હતું. ધોળા દિવસે બનેલા લૂંટના બનાવ અંગે પોલીસે જુદી-જુદી
ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા વ્યાયામ આદર્યો
છે. આ અંગે વધુ તપાસ અંજાર પી.આઈ. એ.એન. ગોહિલ ચલાવી રહ્યા છે.