• બુધવાર, 30 એપ્રિલ, 2025

આપઘાત-અકસ્માતમાં પાંચ જણનાં જીવન પૂર્ણ

ભુજ, તા. 19 : પશ્ચિમ કચ્છમાં આપઘાત-અકસ્માત મોતના બનેલા બનાવોમાં પાંચ જિંદગી પૂર્ણ થઈ હતી, જેમાં એકાદ માસ અગાઉ કેરા પાસે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ઘવાયેલા મુંદરાના તિલકસિંગ બંસીધર (ઉ.વ. 63) નામના વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો, તો મમુઆરામાં રહેતા ભરત પાંચાભાઈ મહેશ્વરી (ઉ.વ. 23) નામના યુવાને કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો, માર્ગ અકસ્માતમાં મૂળ રાજસ્થાનના શંકરલાલ ઓમપ્રકાશ ચૌહાણ (ઉ.વ. 30) નામના યુવકનું મોત થયું હતું, જ્યારે મુંદરા તાલુકાના રામાણિયામાં પ્રવીણસિંહ હરિસિંહ ચાવડા (ઉ.વ. 46)ની તળાવમાંથી લાશ મળી હતી, તો નાના કપાયામાં હસીનાબેન સુલ્તાન તુર્ક (ઉ.વ. 37) નામની પરિણીતાએ કોઈ કારણે જાત જલાવ્યા બાદ સારવાર દરમિયાન દમ તોડયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, ગત તા. 21-2ના કેરા નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘવાયેલા તિલકસિંગ નામના વૃદ્ધનું ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે શત્રક્રિયા સહિતની સારવાર કરાઈ હતી, જે પછી તેઓને રજા અપાઈ હતી, પરંતુ અચાનક તેમની તબિયત બગડતાં સારવાર હેઠળ રખાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બીજી બાજુ મમુઆરામાં રહેતા ભરત નમાનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણે પંખામાં દોરડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્ટિપલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માનકૂવા નજીક બનેલા અકસ્માતના બનાવમાં શંકરલાલ નામનો યુવક ટેન્કર લઈને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેન્કર ઝાડ સાથે અથડાયું હતું, જેમાં તેને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અપમૃત્યુનો વધુ એક બનાવ રામાણિયામાં બન્યો હતો, જેમાં પ્રવીણસિંહનો મૃતદેહ રામાણિયાના તળાવમાંથી મળી આવ્યો હતો. આ હતભાગી તળાવમાં નહાવા ગયા હતા કે આ બનાવ આપઘાતનો છે તે જાણવા સહિતની તપાસ પ્રાગપર પોલીસે હાથ ધરી હતી. બીજી બાજુ મુંદરા તાલુકાના નાના કપાયામાં હસીનાબેન નામની પરિણીતાએ ગત તા. 12-3ના કોઈ કારણે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને જાત જલાવી હતી, તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેણે દમ તોડયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd