ગાંધીધામ, તા. 13 : ભચાઉ નજીક રાજ્યસ્તરની સ્ટેટ
મોનિટરિંગ સેલની ટીમે પકડેલો વિદેશી કોલસો રૂા. 22,75,000 હોવાનું બહાર આવ્યું હતું તેમજ કાળો કારોબાર કરનારા સાથે ટ્રાન્સપોર્ટર
પણ ભળેલા હોવાનું સપાટી પર આવ્યું છે. ભચાઉ નજીક મોમાઇ પેવરબ્લોક તથા રાજશક્તિ કન્સ્ટ્રક્શનની
બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ગઇકાલે ઢળતી બપોરે એસ.એમ.સી.એ દરોડો પાડયો હતો. અહીં
કોલસાનો કાળો કારોબાર ભચાઉનો દિવ્યરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા કરતો હોવાની પૂર્વ બાતમીના
આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા દોઢ-બે મહિનાથી કંડલા બંદરે આવતા અને વિદેશી
કોલસા અન્ય જગ્યાએ લઇ જતા વાહનચાલકો સાથે મળી વાહનોમાંથી 50 ટકા વિદેશી કોલસા અહીં ખાલી
કરી મોરબીથી મંગાયેલ હલ્કી ગુણવત્તાની કોલસી તથા માટી વાહનોમાં ભેળવીને બારોબાર મોરબીની કંપનીઓમાં ઊંચા
ભાવે આ કોલસા વેંચી દેવાતા હતા. અહીં કામ કરતા મયોદિન રસુલ ચૌહાણ, લક્ષ્મણસિંહ નાથુસિંહ ચૌહાણ, સંતોષકુમાર રામજનમ વિશ્વકર્મા લુહાર, અશરફ અલીમામદ કુંભાર
તથા આમિન પીરુ જુણેજાને પકડી લેવાયા હતા. આ ખાલી પ્લોટમાંથી રૂા. 22,75,000નો વિદેશી કોલસો, રૂા. 1,00,000નો ઓછી ગુણવત્તાવાળો કોલસો
તથા કાળા કારોબારના ઉપયોગમાં લેવા માટેના લોડર, ટ્રેક્ટર, હિટાચી મશીન, કોલસો લઇને
આવેલું ટ્રેઇલર વગેરે મળીને કુલ રૂા. 94,26,370નો મુદ્દામાલ એસ.એમ.સી.એ જપ્ત કર્યો હતો. ટ્રેઇલર નંબર જીજે-12-બીઝેડ-5135નો ચાલક લક્ષ્મણસિંહ અગાઉ પણ
અહીં એકવાર કોલસો ખાલી કરી ગયો હતો. ગાંધીધામની ટ્રાન્સપોર્ટમાં કામ કરનારા આ શખ્સને
તેના શેઠ રાહુલે ફોન કરી ભચાઉ નજીક ગુરુકૃપા હોટેલ સામે દિવ્યરાજસિંહ ઝાલા બાઇક લઇને
ઊભો હશે. આ શખ્સ અગાઉ પણ માલ ખાલી કરી ગયો હોવાથી દિવ્યરાજસિંહને ઓળખતો હતો અને તેના
કહેવા પ્રમાણે પાછળ-પાછળ આ પ્લોટમાં કોલસો ભરેલું વાહન લઇ ગયો હતો. એસ.એમ.સી.ની આ સફળ
કાર્યવાહીથી સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી. અગાઉ આવાં પ્રકરણોમાં આવા તત્ત્વો
સાથે કોના કોના સંપર્ક હતા તે માટે કોલ ડિટેઇલ વગેરે મેળવીને જવાબદારી બેસાડી સસ્પેન્ડ
સુધીની કાર્યવાહી કરવામાં આવતી હતી, ત્યારે હવે કોનો વારો છે, તે જોવાનું રહ્યુંy.