ગાંધીધામ, તા. 17 : અંજાર
તાલુકાના માથક ગામમાં આવેલા એક ગોદામમાંથી રૂા. 6,47,000ના સામાનની ચોરી થતાં બનાવ અંગે
ચોકીદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરના વોર્ડ-4-બીમાં
રહેતા અને કસ્ટમ ઓકશન, વેપારનું કામ કરનાર નિલેશ પ્રહલાદ ભાનુશાળીએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી. ફરિયાદીનું માથકની સીમમાં જી.એન. એન્ટરપ્રાઇઝ નામનું ગોદામ આવેલું
છે. તેની સામે ગાયો બાંધવાનો વાડો આવેલો છે. જેમાં ચોકીદાર તરીકે રાજસ્થાનનો
રામારામ નાગજી રબારી કામ કરતો હતો. ફરિયાદી તા. 14-1ના
પોતાના ગોદામે જતાં ત્યાં માલ પડયો હતો. બાદમાં તા. 3-2ના
જતાં સામાન ગુમ જણાયો હતો. આ ચોકીદારે પોતે અથવા પોતાના મળતીયાઓથી ગોદામની ચાવી
ખોલી તેમાંથી લોડર મશીનની બે બેટરી,
મોટર ક્રેપ, લોડર ક્રેપ, ગાડીઓનો ક્રેપ, એલ્યુમિનિયમ ક્રેપ, વિજ મોટર, કટર મશીન, ઇન્વર્ટર,
પ્લાન્ટ પાર્ટ, લોડરના સ્પેરપાર્ટ વેમન
સ્કેલ્સ, મોટા ટેબલ પંખા, એલ.ઇ.ડી.
લાઇટો, અન્ય મશીનોના પાર્ટસ, મિક્ષસ
મશીનની સામગ્રી વગેરે મળીને કુલ્લ રૂા. 6,47,000ના સામાનની ચોરી કરી નાસી ગયા
હતા. ફરિયાદીએ આ ચોકીદારનો સંપર્ક કરતા તેણે પોતાનો ફોન બંધ કરી નાખ્યો હતો.
ફરિયાદી વેપારીએ તા. 3-2ના પોલીસ મથકે જાણ કરી હતી
ત્યારે છેક આજે પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ગોદામ ચોરીમાં તસ્કરોએ શાંતિથી નિરાંતે
ચોરી કરી મોટા વાહનોમાં માલ ભરીને લઇ ગયા હોવાનું સમજાય છે.