ગાંધીધામ, તા. 9 : આદિપુર પોલીસ મથક નજીક જ આવેલા
વોર્ડ-4-બી વિસ્તારમાં એક બંધ મકાનનો પાછળનો દરવાજો
તોડી તસ્કરો આ મકાનમાંથી રૂા. 2,88,000ની
મતાની ચોરી કરી નાસી ગયા હતા. આદિપુરના વોર્ડ-4-બી, પ્લોટ નંબર
57, ટેનામેન્ટ નંબર-7માં ચોરીનો બનાવ ગત તા. 25-1થી 31-1 દરમ્યાન બન્યો હતો. શિકાગોમાં
રહેનાર ફરિયાદી આશિષ પ્રભુ નારાયણ ઠાકુર નામનો યુવાન છેલ્લા એકાદ વર્ષથી અહીં પોતાના
પરિવાર પાસે આવ્યો છે. ગત તા. 24-1ના તેના માતા-પિતા
પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં જવા નીકળ્યા હતા. ફરિયાદી યુવાનના સાસરિયા મુંબઇ ખાતે
રહેતા હોવાથી પોતે તેના પત્ની સોની ઝા તથા દીકરી આદિયા તા. 25-1ના મુંબઇ જવા રવાના થયા હતા, ત્યાં 31-1 સુધી રોકાયા બાદ તે અમદાવાદ
આવ્યા હતા અને તેના માતા-પિતા પણ અમદાવાદ પહોંચ્યા હતા. બાદમાં આ પરિવાર પરત આદિપુર
આવ્યો હતો. તેમનાં મકાનમાં આગળ તાળાં લાગેલાં હતાં,
પરંતુ પાછળનો દરવાજો ખુલ્લો હતો અને સરસામાન વેરવિખેર જણાયો હતો. પાછળનો
દરવાજો તોડીને અંદર ઘૂસેલા તસ્કરોએ અંદરથી 24 ગ્રામના કાનના સોનાંના બુટિયા નંગ-16, 30 ગ્રામની એક તથા એક 15 ગ્રામની એમ બે સોનાંની ચેઇન, 29 ગ્રામના કાનમાં
પહેરવાના સોનાંના લટકણિયા (ઝૂમકા) નંગ-પંચ, ત્રણ ગ્રામનું સોનાંનું લેડીઝ બ્રેસ્લેટ,
11 ગ્રામના સોનાંના નજરિયા, છ ગ્રામનું પેન્ડલ સાથેનું સોનાંનું મંગળસૂત્ર,
ચાર ગ્રામની સોનાંની લેડીઝ વીંટી,
26 ગ્રામનો સોનાંનો બુટી સાથેનો
પેન્ડલસેટ તથા શિકાગોથી લઇ આવેલા 800 ડોલર (ભારતીય રૂપિયા પ્રમાણે રૂા. 50 હજર) એમ કુલ રૂા. 2,88,000ની મતાની ચોરી કરી તસ્કરો પલાયન
થયા હતા. અઠવાડિયા પહેલા બનેલા આ બનાવ અંગે ગઇકાલે રાત્રે પોલીસે ફરિયાદ નોંધીને આગળની
તપાસ હાથ ધરી છે.