• મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2025

રતિયાના કુટુંબીઓ વચ્ચેનો ડખો ભુજમાં વકર્યો : ખૂનના પ્રયાસનો ગુનો

ભુજ, તા. 3 : તાલુકાના રતિયા ગામના બે જૂથ વચ્ચેના કૌટુંબિક ઝઘડાનું મનદુ:ખ રાખી શહેરની જી.કે. જનરલ હોસ્પિટલમાં પિતા-પુત્રએ કુટુંબી ભાઈ પર છરી વડે હુમલો કરતાં આ મામલે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, મામદ અબ્દુલ્લા ભોરિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી ઈસ્માઈલ નૂરમામદ સમા સાથે મારા કૌટુંબિક ભાઈઓ ફારુક અને આશીફનો ઝઘડો થતાં તે તથા તેનો માસીનો દીકરો ભાઈ મામદ નૂરમામદ સમા તેમને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં આરોપીઓ ઈસ્માઈલની સાથે તેના પુત્ર જબાર અને નવાબ તથા અન્ય એક અજાણ્યો ઈસમ આવ્યા હતા. મામદ અને તેનો ભાઈ હોસ્પિટલના ઈમરજન્સી ગેટ પાસે કેસ પેપર કઢાવતા હતા તેવામાં આરોપીઓ ત્યાં આવ્યા હતા અને આ લોકોએ જ ઝઘડો કર્યો છે તેમ ઈસ્માઈલે કહેતાં ગાળાગાળી કરી હતી. દરમિયાન, નવાબે નેફામાંથી છરી કાઢીને મામદ ભોરિયાને મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે મારવા જતાં તે નીચે નમી ગયો હતો, જેથી તેને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારવા લાગ્યો હતો, જેમાં માથા ઉપરાંત હાથમાં ઈજાઓ થઈ હતી. આરોપીઓ પૈકીના જબારે તેના ભાઈને પણ માર માર્યો હતો. ઝઘડા અંગે હોસ્પિટલમાં ફરજ પરના સુરક્ષા સ્ટાફને જાણ થતાં તેઓએ મામલો વધુ બીચકતો અટકાવ્યો હતો. બાદમાં મામદને સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે આ મામલે ઈસ્માઈલ નૂરમામદ સમા, જબાર ઈસ્માઈલ સમા અને નવાબ ઈસ્માઈલ સમા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અંગેની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd