ગાંધીધામ, તા. 10 : શહેરના
સુંદરપુરી તથા શક્તિનગર વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરીને રૂા. 18,260નો શરાબ પકડી
પાડયો હતો, પરંતુ બે આરોપી સાબુના ગોટાની જેમ સરકી ગયા હતા. શહેરના જૂની સુંદરપુરીમાં
અંબે માતાના મંદિરની સામે આવેલ વાડામાં પોલીસે છાપો મારી અહીંથી રૂા. 14,410ના 108
બિયરના ટીન જપ્ત કર્યા હતા, પરંતુ મેહુલ ભીખા પરમાર નામનો શખ્સ હાજર મળ્યો ન હતો. બીજી
કાર્યવાહી શક્તિનગરમાં કરવામાં આવી હતી અહીં દારૂ વેચતા પ્રકાશ ઉર્ફે પકાડો કાનજી માતંગ
નામના શખ્સના કબજામાંથી રૂા. 3850નો દારૂ જપ્ત કરાયો હતો, પરંતુ આ શખ્સ સાબુના ગોટાની
જેમ સરકી જવામાં સફળ રહ્યો હતો. દારૂની મોટા ભાગની કાર્યવાહીમાં આરોપી પોલીસની પકડમાં
આવતા નથી, આવી કાર્યવાહી દરમ્યાન પણ મધપુડામાંથી મધ લેવાતું હોવાની ચર્ચા જાણકાર લોકોમાં
સાંભળવા મળી હતી.