• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

મોટી રાયણમાં સાઈકલસવાર પ્રૌઢને લોડિંગ ગાડીએ ટક્કર મારતાં કમકમાટીભર્યું મોત

ભુજ/ગાંધીધામ, તા. 12 : આજે સવારે માંડવી તાલુકાના મોટી રાયણ ખાતે સાઈકલથી દૂધ ભરાવા ગયેલા ગામના પ્રૌઢ ઉમર જુણેજાને લોડિંગ ગાડીએ ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ગાંધીધામ તાલુકાના ખારી રોહર નજીક અજાણ્યા વાહને હડફેટમાં લેતાં બાઇકચાલક ઇમરાન હારૂન જંગિયા (ઉ.વ. 26)ને જીવ ખોવાનો વારો આવ્યો હતો તેમજ ભચાઉ નજીક બાઇક સ્લીપ થઇ જતાં અગાઉ ઘવાયેલા હરિશ્ચંદ્ર રામજનક કુશવાહા (ઉ.વ. 25)એ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો તેમજ ભચાઉના કારખાનાંમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં ધનીશા મુકેશ વસુનિયા (ઉ.વ. 5) નામની બાળકીનું મોત થયું હતું, જ્યારે મુંદરામાં 34 વર્ષીય યુવાન નિખિલ પરેશ જોશીએ ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. મોટી રાયણ ખાતે રહેતા ઉમરભાઇ આજે સવારે સાઈકલથી દૂધ ભરાવા ડેરી તથા હોટેલ ગયા હતા. ત્યારે જૈન સંચાલિત સાર્વજનિક દવાખાનાં આગળ સામેથી પૂરપાટ આવતી સુપર કેરી લોડિંગ ગાડી નં. જી.જે. -12-સી.ટી.-5148એ ટક્કર મારી અડફેટે લેતાં તેમનું માથું ફાટી ગયું હતું અને ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. પરિજનો બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને માંડવી સરકારી હોસ્પિટલે લઇ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતકના પુત્ર મહમદ તાહિર ઉમર જુણેજાએ લોડિંગ ગાડીચાલક વિરુદ્ધ કોડાય પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. ખારી રોહર નજીક આઇ.એ.સી. કંપનીના વળાંક પાસે ગત તા. 10-11ના સવારના ભાગે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ખારી રોહરમાં રહેનાર ઇમરાન નામનો યુવાન કંડલાની એલ.પી.જી. કંપનીમાં કામ કરતો હતો. તે કંપનીમાં રાત્રે નોકરી કરી સવારે બાઇક નંબર જી.જે.-12-ડી.સી.- 9543 લઇને પરત ઘરે જઇ રહ્યો હતો. દરમ્યાન વળાંક પાસે કોઇ અજાણ્યા વાહને તેની બાઇકને હડફેટમાં લીધી હતી. જેમાં આ યુવાન નીચે પટકાયો હતો. તોતિંગ વાહનનાં પૈડાં તેના માથાં પરથી ફરી વળતાં યુવાનનું ત્યાં જ મોત થયું હતું. અકસ્માત નોતરી નાસી જનારા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ જાવેદ હાજી ટાંકએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ ભચાઉ નજીક ચોપડવા પાસે ઓવરબ્રિજ  ઉપર અકસ્માત સર્જાયો હતો. અંકુર કંપનીમાં કામ કરનાર ફરિયાદી ગણેશ મીઠાલાલ રંજાણી (મેઘવાળ) તથા હરિશ્ચંદ્ર બાઇક નંબર જી.જે.-12-ઇ.આર.- 0428 લઇને ગેસની બોટલ ભરાવવા ભચાઉ ગયા હતા. ત્યાંથી બોટલ ભરાવીને પરત આવી રહ્યા હતા ત્યારે ચાલક હરિશ્ચંદ્ર પાસેથી બાઇક સ્લીપ થઇ જતાં બંનેને ઇજાઓ પહોંચી હતી, જેમાં ચાલકને પ્રથમ ભચાઉ, ભુજ અને પછી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેણે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. અપમૃત્યુનો એક બનાવ ભચાઉના વાદીનગરમાં આવેલા કારખાનાંમાં બન્યો હતો. અહીં ગઇકાલે સવારે ધનીશા નામની બાળકી રમી રહી હતી દરમ્યાન પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી આ માસૂમ બાળકીએ પોતાનો જીવ ખોયો હતો. ખરેખર બાળકી કેવી રીતે પડી હશે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી તરફ મુંદરા પોલીસ મથકે સૂરજ પરેશ જોશીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમનો સગો મોટો ભાઇ નિખિલ અંબિકા નગરમાં રહેતો હતો. નિખિલ અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ ચાલુમાં હોઇ તેણે અગમ્ય કારણે તા. 10-11ના બપોરથી રાત દરમ્યાન પોતાના ઘરના અંદરના રૂમમાં પંખામાં ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang