ભુજ, તા. 12 : મુંદરા તાલુકાના ગુંદાલાની હાઇસ્કૂલમાંથી એક કોમ્પ્યુટર
સેટ કિ. રૂા. 40,000ની ઉઠાંતરી થતા તથા નખત્રાણા તાલુકાના પાનેલીની છ વાડીમાંથી રૂા.
25,020ના વાયરની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઇ છે. મૂળ ખેડોઇ તા. અંજારના હાલે મુંદરા
રહેતા અને ગુંદાલાની એમ.આર.આર. હાઇસ્કૂલના આચાર્ય એવા ચતુરસિંહ ટપુભા જાડેજાએ પ્રાગપર
પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે લાયબ્રેરી રૂમનું તાળું તૂટેલું હોતા તેમણે
તથા કલાર્કે તપાસતા બધી વસ્તુ જેમની તેમ જોવા મળી હતી અને અન્ય રૂમો જોતાં કોમ્પ્યુટર
રૂમ તથા રમત-ગમત રૂમના દરવાજાનો નકૂચો તૂટેલો હતો. રમત ગમતના રૂમનો સામાન વેર-વિખેર
હતો. જ્યારે કોમ્પ્યુટર રૂમમાં દરવાજા પાસે રાખેલો કોમ્પ્યુટર સેટ જેમાં મોનિટર, સીપીયુ,
કિ-બોર્ડ, કેમેરા તથા માઉસ અને કેબલો સહિત ગુમ હતું. જેની કિ. રૂા. 40,000 થવા જાય
છે. જ્યારે અન્ય 24 કોમ્પ્યુટર એમ જ પડયા હોવાની ફરિયાદ પ્રાગપર પોલીસ મથકે નોંધાવી
છે. પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ નખત્રાણા તાલુકાના પાનેલી વાડી વિસ્તારની છ વાડીમાંથી
તા. 10-11 સાંજથી બીજા દિવસની સવાર સુધી વાયરની સામૂહિક ઉઠાંતરી થતા આ અંગે દયાપર પોલીસ
મથકે, પાનેલીના ખેડૂત ઉપેન્દ્રસિંહ નરપતસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની વાડીમાંથી
બોરનો કેબલ આશરે 150 ફૂટ ઉપરાંત તેમની વાડીની બાજુમાં કિશોરભાઇ વાળંદની વાડીમાંથી
100 ફુટ વાયર અને જીતેન્દ્રસિંહની વાડીમાંથી 50 ફુટ કેબલ અને તેની બાજુમાં આવેલી હેમુભા
જાડેજાની વાડીમાંથી 90 ફુટ કેબલ તથા રવિરાજસિંહની વાડીમાંથી આશરે 40 ફુટ વાયર તેમજ
હરિભાઇ પટેલની વાડીમાંથી 30 ફુટ કેબલ એમ કુલ્લે 460 ફૂટ જેટલો કેબલ જેની કિ. રૂા.
25,020ની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. આમ કેબલચોરના તરખાટથી આ વિસ્તારના ખેડૂતોમાં
આક્રોશ વ્યાપ્યો છે.