ભુજ, તા. 1
: ભીરંડિયારાથી ખાવડા જતા માર્ગે ખાવડા પોલીસે અલ્ટોમાંથી ગૌમાંસ સાથે ત્રણ આરોપીને
ઝડપી લીધાના બનાવની હજુ શાહી સૂકાઈ નથી, ત્યાં ભુજમાં ટુ-વ્હીલર એક્સેસ સ્કૂટરની ડિકીમાંથી
10 કિલો તેમજ રહેણાંક મકાનનાં આંગણામાંથી 20 કિલો ગૌવંશના માંસ સાથે બે આરોપીને બી-ડિવિઝન
પોલીસે ઝડપી લીધા છે, જ્યારે અન્ય એક આરોપીનો નામ ખૂલ્યો છે. આ અંગે બી-ડિવિઝન પોલીસે
જાહેર કરેલી વિગતો મુજબ બે દિવસ પહેલાં પીઆઈ વી.બી. પટેલનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સનો
સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે એ.એસ.આઈ. નીલેશભાઈ ભટ્ટ અને હે.કો. મયૂરસિંહ જાડેજાને
સંયુક્ત બાતમી મળી હતી કે, એક ઈસમ એક્સેસ નં. જીજે-12-એચબી-9470વાળાં ટુ-વ્હીલરની ડિકીમાં
ગૌમાંસનો જથ્થા રાખી ભીડનાકાથી સંજયનગરી તરફ નીકળ્યો છે. આ બાતમી અન્વયે ગ્રાન્ડ થ્રીડી
હોટલ સામેના ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી બાતમીવાળાં ટુ-વ્હીલરને રોકાવી ડિકી તલાસતાં
આશરે 10 કિલો પશુ માંસ મળ્યું હતું. આ અંગે ટુ-વ્હીલરચાલક આરોપી અમજદ ઓસમાણ લુહાર
(રહે. સંજયનગરી-ભુજ)ને જથ્થા બાબતે પૂછતાં તેના ઘરે મહેમાન આવવાના હોવાથી આ માંસનો
જથ્થો ખાલીદ ઈબ્રાહિમ મોખા (રહે. ભીરંડિયારા ફળીયું, દાદુપીર રોડ-ભુજ) પાસેથી લીધાનું
જણાવ્યું હતું. આ બાદ બી-ડિવિઝન પોલીસે ખાલીદના ઘરે જઈ તપાસ કરતાં તેનાં આંગણામાંથી
20 કિલો જેટલો પશુ માંસનો જથ્થો મળી આવતાં બન્ને પશુ માંસનું પરીક્ષણ કરાવતાં આ જથ્થો
ગૌમાંસનો હોવાનું જાણવા મળ્યું હતું. ખાલીદને આ માંસના જથ્થા અંગે પૂછપરછ કરતાં તેને
આ માંસ નાના વરનોરાનો કરીમ ભચુભાઈ મમણ આપી
ગયાનું જણાવ્યું હતું. બી-ડિવિઝન પોલીસે આરોપી અમજદ અને ખાલીદ વિરુદ્ધ વિવિધ કલમો તળે
ગુનો દાખલ કરી તેઓ પાસેથી 30 કિલો ગૌમાંસ કિં. રૂા. 1500 અને હેરફેરના ઉપયોગમાં લીધેલું
એક્સેસ કિં. રૂા. 50,000 અને બે સાદા મોબાઈલ
કિં. રૂા. 1000ના મુદ્દામાલ જપ્ત કરી અટક કરી હતી, જ્યારે કરીમને ઝડપવા ચક્રો
ગતિમાન કર્યાં હતાં. આ કામગીરીમાં પીઆઈ શ્રી પટેલનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે.
દામા, એએસઆઈ નીલેશભાઈ, હે.કો. મયૂરસિંહ ઉપરાંત મહાવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા,
જિતેન્દ્રભાઈ પુરબિયા, અરવિંદભાઈ વણકર અને કોન્સ. વિજય ઠાકોર, કિરીટસિંહ જાડેજા, શ્યામભાઈ
ગઢવી, પ્રકાશભાઈ ઠાકોર જોડાયા હતા.