ગાંધીધામ, તા.16
: તાલુકાના મીઠી રોહર નજીક ઓવર બ્રિજ પાસે આવેલા ભંગારના વાડામાં પોલીસે કાર્યવાહી
કરી વિદેશથી આવેલા 2 ટન જેટલા ફૂટેલા કાર્ટીસ જપ્ત કર્યા હતા. પૂર્વ કચ્છ એસ.ઓ.જી ટીમ
ગત તા.14/9ના ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદના તહેવારો અંતર્ગત પેટ્રોલીંગમાં હતી આ ટીમ
ગાંધીધામ ભચાઉ ધોરીમાર્ગ ઉપર મીઠી રોહર નજીકના ઓવરબ્રિજ પાસે પહોંચી હતી. દરમ્યાન મીઠી
રોહર સીમ સર્વે નંબર 554/5માં આવેલ સાક્ષી ઈમ્પેક્ષ નામની કંપનીમાં વિદેશથી આયાત કરેલા
ક્રેપ (ભંગાર)માં આધુનિક હથીયારમાં ઉપયોગમાં લેવામાં આવતા કાર્ટીઝ આવેલા છે અને મોટી
માત્રામાં છે. કંપનીના સંચાલક હરિઓમ સુભાષચંદ્ર શુક્લા અને પ્રદિપ યદુનાથ પાન્ડેએ યમનથી
ભંગારના કન્ટેઈનર મંગાવ્યા હતા જેમાં આ વસ્તુ આવી ગઈ હતી. પોલીસે અહીં તપાસ કરતા અહીં
2 ટન ભંગારમાં ઓટોમેટીક અને મોટા હથીયારનો ગોળીના કેટલા ભાગ, ખાલી કેસ વગેરે મળી આવ્યું
હતું. જુની થઈ ગયેલી ફૂટેલી આ ગોળીઓ ઉપર લખાણ
પણ બરોબર વંચાતું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બે ટનમાંથી એકેય જીવંત કાર્ટીઝ
મળ્યા નથી. તેમજ મળેલા કાર્ટીઝને એફ.એસ.એલ. માટે મોકલવામાં આવશે તેવું પી.આઈ. ડી.ડી.
ઝાલાએ જણાવ્યું હતું. આ શહેર અને સંકુલમાં આવેલા અમુક શંકાસ્પદ ભંગારના વાડાઓની તપાસ
હાથ ધરવામાં આવે તો અનેક શંકાસ્પદ વસ્તુઓ મળે તેમ છે. પરંતુ આવું કરાતું નથી. તે પણ
હકીકત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ અહીં કંડલા બંદરે પણ વિસ્ફોટક વસ્તુઓ આવી
ગઈ હતી. થોડા વર્ષો પહેલાં ઈફકો (ઉદયનગર) વસાહતમાંથી રોકેટ લોન્ચરનો ફૂટેલો સેલ મળ્યો
હતો. ડીપીએ પ્રસાશનીક કચેરી પાછળ બાવળની ઝાડીમાંથી પણ આવા સેલ મળ્યા હતા. ભંગારના વાડાઓમાં
વસ્તુઓ તોડતી વખતે બ્લાસ્ટ થવાના બનાવો પણ અહીં બની ચૂક્યા છે. ત્યારે ખરેખર આવા અમુક
વાડાઓમાં નિતિમત્તાથી તપાસની જરૂરીયાત હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.