કોડાય (તા. માંડવી), તા. 4 : તાલુકાના માપર-ચાંગડાઈ ગામના સીમ વિસ્તારમાં ગત રાત્રે 12.35 વાગ્યાના અરસામાં સસલાંના શિકાર અર્થે નીકળેલા બે શિકારીને માંડવી વન વિભાગના કર્મચારીઓએ પકડી તેમની પાસેથી ટોર્ચ અને ધોકા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પશ્ચિમ કચ્છ વન વિભાગના ડી.સી.એફ. યુવરાજાસિંહ ઝાલા તથા આર.એફ.ઓ. એમ. આઈ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે માડવી નોર્મલ રેન્જના સ્ટાફ વનપાલ રામુભાઈ ગઢવી, વનરક્ષકો નવીન ચારણ અને શિવરાજ મંધુડાએ માપર -ચાંગડાઈ ગામની સીમમાં રાત્રિના 12.35 કલાકે વન્ય જીવ સસલાંનો શિકાર થાય તે પહેલાં જ બે શિકારી ઈસમ મામદ હુસેન ઈબ્રાહીમ જત તથા સોહિલ ફકીરમામદ જત (બંને દેઢિયા)ને ઝડપી પાડયા હતા. આ શખ્સો પાસેથી બે નંગ ટોર્ચ, બે નંગ ધોકાનો મુદ્દામાલ કબજે લઈ શિકાર અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.