• મંગળવાર, 23 જુલાઈ, 2024

ભચાઉ ચકચારી કાંડમાં ફરજમોકૂફ મહિલા પોલીસ ફરાર

ગાંધીધામ, તા. 10 : ભચાઉ નજીક પોલીસ ઉપર ગાડી ચડાવી હત્યાની કોશિષના પ્રકરણમાં પકડાયેલ ફરજમોકૂફ મહિલા પોલીસ કર્મીના જામીન રદ થયા બાદ તે નાસી જતાં ભારે ચકચાર પ્રસરી છે. ભચાઉથી 6 કિ.મી. દૂર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ પોલીસ ઉપર ગાડી ચડાવી હત્યાની કોશિષ કરી હતી તેની સાથે સી.આઇ.ડી. ક્રાઇમની મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી પણ મળી આવી હતી. અગાઉ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બંને આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા બાદ હત્યાની કોશિષના પ્રકરણમાં ફરજમોકૂફ પોલીસ કર્મચારી નીતા ચૌધરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. દરમ્યાન પોલીસે આ અંગે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં બંને પક્ષોને સોમવારે દલીલો કર્યા બાદ મંગળવારે જામીન રદ કરતો ચુકાદો આપવામાં આવ્યો હતો. અધિક ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં જામીન મળી ગયા બાદ સેશન્સ કોર્ટમાં જામીન રદ થશે અને ગમે ત્યારે પોતાની અટક કરવામાં આવશે તેવું ભાળી જતાં આદિપુર પોલીસ લાઇનમાં રહેનાર આ ફરજમોકૂફ મહિલા અહીંથી ફરાર થઇ ગઇ હતી. કોર્ટના આદેશ બાદ પોલીસ તેની અટક કરવા આદિપુર પોલીસ લાઇનમાં જતાં તેના કવાર્ટરને તાળાં મારેલા હતા. બનાસકાંઠાની આ મહિલા સાસરિયે કે પોતાના પિયર ગઇ હોવાનું જાણીને પોલીસે ત્યાં તપાસ કરી હતી પરંતુ ક્યાંય પતો મળ્યો ન હતો. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર આ બનાવ બન્યા બાદ પોલીસે જે-તે વખતે મહિલાના એ મોબાઇલ પણ જપ્ત કર્યા હતા. જેના કારણે હવે આ મહિલાને શોધવી અઘરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ મહિલા પાસે પાસપોર્ટ છે કે નહીં, તે વિદેશ નાસી જશે કે શું તેવા પ્રશ્નો પણ આ વેળાએ બહાર આવ્યા હતા. ચકચારી એવા આ બનાવમાં શરૂઆતથી જ મહિલા અમુક મોટા માથાઓ સાથે ઘરોબો ધરાવતી હોવાના આક્ષેપ થતા આવ્યા છે. ત્યારે આ કાંડમાં મોટા માથાં પણ સક્રિય હોવાનું અને છાવરવામાં આવતી હોવાની ચર્ચા વહેતી થઇ છે. સવાલ એ છે કે ભારે ગંભીર પ્રકરણ હોવા છતાં સ્થાનિક પોલીસે તેની પર નજર કેમ ન રાખી ? હવે પોલીસ તેને ક્યારે અને ક્યાંથી પકડી પાડે છે તે જોવાનું રહ્યું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang