ગાંધીધામ, તા. 2 : જામનગરના જોડિયાથી રાપરના રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા આવેલા બે લોકોને આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસે અકસ્માત નડયો હતો. તેમનું બાઇક પોલીસના બેરિકેડમાં ભટકાતાં દાના મેઘા ડાંગરનું મોત થયું હતું, અન્ય વૃદ્ધને ઇજાઓ પહોંચી હતી. બીજીબાજુ ભચાઉના લગધીરગઢ સીમમાં ધીરૂ રામા ગાંગસ (કોળી) (ઉ.વ. 24)એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. જામનગર જોડિયાના વાવડીમાં રહેનાર ફરિયાદી ભવાન ભગા બાલસરા (આહીર) તથા દાનાભાઇ?ડાંગર ગત તા. 25/3ના સાંજે રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા નીકળ્યા હતા. આ બંને બાઇક નંબર જી.જે.-10-બી.એ.- 1848 લઇને કથામાં પહોંચ્યા હતા. કથા સાંભળ્યા બાદ બંને મોમાયમોરા ગામે માતાજીનાં દર્શન કરી રાધનપુર-સામખિયાળી ધોરીમાર્ગ પીપરાળા નજીક ડગાયચા દાદાનાં દર્શન કરવા જઇ રહ્યા હતા. આડેસર પોલીસ ચેકપોસ્ટ નજીક પહોંચતાં તેમનું બાઇક પોલીસના બેરિકેડમાં ભટકાયું હતું જેમાં ચાલક દાનાભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર અર્થે પલાંસવા સરકારી હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે દાના ડાંગરને મૃત જાહેર કર્યા હતા જ્યારે ફરિયાદી વૃદ્ધની સારવાર કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજીબાજુ લગધીરગઢની સીમમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. સામખિયાળીમાં રહેનાર ધીરૂ કોળી નામનો યુવાન આ સીમમાં ગયો હતો જ્યાં તેણે લીમડાનાં ઝાડમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ?પોતાનું જીવન?ટુંકાવી લીધું હતું. આ યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ?ધરી છે.