• બુધવાર, 31 મે, 2023

વરસામેડીમાં કિશોરી સાથે બળાત્કાર ગુજારાતાં ચકચાર

ગાંધીધામ, તા. 25 : અંજાર તાલુકાના વરસામેડીની એક સોસાયટીમાં રહેનારી એક દિવ્યાંગ કિશોરી ઉપર બળાત્કાર ગુજરતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વરસામેડીની એક સોસાયટીમાં રહેનારી એક દિવ્યાંગ કિશોરી સાથે આ જઘન્ય બનાવ બન્યો હતો, જે અંગે શુભમ ધિમાન સામે ફરિયાદ થઇ હતી. આ કિશોરી પોતાની બહેન સાથે ગાંધીધામ આવતાં તેને પેટમાં દુ:ખાવો થયો હતો. તેને સારવાર અર્થે લઇ જવાતાં તેને ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવતાં તેના પરિવારજનો ઉપર આભ ફાટી પડયું હતું. આ કિશોરીએ બાદમાં આપવીતિ વર્ણવી હતી. વરસામેડીમાં રહેનાર અને ખાનગી કંપનીમાં કામ કરનાર શુભમ માંગેરામ ધિમાન નામના શખ્સે જાન્યુઆરી મહિનામાં આ કિશોરી ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં થોડા મહિના રહીને આ કિશોરી સાથે ફરીથી આ શખ્સે જઘન્ય કૃત્યને અંજામ આપ્યું હતું. આવા પાશવી બનાવને કારણે ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ  ધરી છે.