આમ તો ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી પ્રશંસા કે ટીકાને ફેસવેલ્યૂ પર
લેવાય નહીં, પણ જે રીતે ભારતના વિરોધ
પક્ષો ટ્રમ્પ-પુતિન-જિનાપિંગની શિખર મંત્રણામાંથી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની
ગેરહાજરી મુદ્દે કરેલી ટીકાને પગલે ભારતીય અર્થતંત્રના સાત ટકાના વિકાસદરના આડકતરા
વખાણની નોંધ લેવી ઘટે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ પત્રકારોને સંબોધતાં સાત ટકાના જીડીપી વૃદ્ધિદર
અને નીચા વ્યાજદરોની પ્રશંસા કરી હતી. જો કે, ટ્રમ્પનું આ નિવેદન
મુખ્યત્વે અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર અંગેની નીતિઓની ટીકાના સંદર્ભમાં આવ્યું
છે. ટ્રમ્પનું માનવું છે કે, અમેરિકામાં પણ વ્યાજદરો નીચા રાખવામાં
આવે તો અર્થતંત્રનો વિકાસ રોકેટ ગતિએ થઈ શકે અને દેવાનું ભારણ ઘટાડી શકાય છે. આ સંદર્ભમાં
તેમણે ભારતનું ઉદાહરણ આપી ભારપૂર્વક કહ્યું કે, સ્થિર નાણાકીય
નીતિ અને વિકાસદર વચ્ચે સંતુલન સાધવું શક્ય છે. જો કે, ટ્રમ્પનું
એમ પણ માનવું છે કે, ફેડરલ રિઝર્વ વ્યાજદરો નીચા રાખે તો અમેરિકાની
જીડીપીની વૃદ્ધિનો દર ચાર ટકાને બદલે પંદરથી વીસ ટકા પર પહોંચી શકે છે, આ નિવેદન સાથે સહમત થઈ ન શકાય, પણ વૈશ્વિક અર્થતંત્ર
મંદી અને ફુગાવાનાં દબાણનો સામનો કરી રહ્યું છે, ત્યારે વિશ્વની
સૌથી મોટી અર્થવ્યવસ્થાના વડાએ કરેલો ભારતની આર્થિક નીતિઓનો ઉલ્લેખ મહત્ત્વનો ગણાય.
ગત ઓગસ્ટ મહિનામાં જ ટ્રમ્પે ભારતીય ચૂંટણી વ્યવસ્થા મતદાન માટે અને ફોટો વોટર આઈડી
ફરજિયાત હોવાના વખાણ કર્યા હતા. ભારતની બદનામી કરવાની એક પણ તક જતી ન કરતા રાહુલ ગાંધીએ
એ વખતે મૌન સેવવામાં જ શ્રેય સમજ્યું હતું. ટ્રમ્પ કોઈના વખાણ કરે ત્યારે તેમાં કહીં
પે નિગાહેં, કહીં પે નિશાના જેવું વધુ હોય છે. અમેરિકન શેરબજારોમાં
કત્લેઆમ જેવી સ્થિતિ છે અને આવામાં આ નિવેદનની સીધી અસર ભારતીય શેરબજારો, ડોલરનાં મૂલ્ય તથા વિદેશી રોકાણકારોના વિશ્વાસ અને વલણ પર પડી શકે છે. જો કે,
ટ્રમ્પની અતિશયોક્તિની ટેવ અને અર્થતંત્ર વિશેની રાજકારણથી પ્રેરિત નિવેદનબાજી
ગંભીર ગણાય નહીં. ફુગાવો કાબૂમાં ન હોય અને વ્યાજદર ઘટાડવામાં આવે તો અર્થતંત્રમાં
અસ્થિરતા વધી શકે છે. ટ્રમ્પને અમેરિકાની મધ્યવર્તી બેન્ક ફેડરલ રિઝર્વની સ્વાયત્તતા
ખટકે છે અને વ્યાજદર કે અન્ય ફેરફારો ઊભડક કે આડેધડ ન હોઈ શકે. લાંબાગાળાની સમૃદ્ધિ
માટે નીતિગત સુધારા અને આર્થિક શિસ્તની સાતત્યતા જ સૌથી મોટો આધાર હોય છે. ભારતના વિકાસદર
અને નીતિઓ યોગ્ય દિશામાં છે કે નહીં એના માટે કોઈનાં પ્રમાણપત્રની જરૂર નથી,
પણ દેશમાં જ જ્યારે દુશ્મનો વધી જાય ત્યારે વિદેશીઓની ટિપ્પણી મહત્ત્વની
સાબિત થતી હોય છે.