• સોમવાર, 23 નવેમ્બર, 2026

આતંકનો અંત

કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરવો હશે, તો સ્થાનિક મદદ વિના શક્ય નથી. ગયાં વર્ષે એપ્રિલમાં પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલા બાદ આક્રમક વ્યૂહરચનાનાં કેન્દ્રમાં આ વિચાર હતો અને તેનાં પરિણામે ગત બુધવારે સુરક્ષા દળોએ કાશ્મીર ખીણના લશ્કર-એ-તૈયબાના છેલ્લા સક્રિય આતંકવાદી લતિફ ભટનું એન્કાઉન્ટર કરી આતંકવાદી નેટવર્કની છેલ્લી મહત્ત્વની કડી તોડી નાખી છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપીનું કહેવું છે કે, છેલ્લાં બે વર્ષમાં માત્ર બે સ્થાનિક યુવાન જ લશ્કર-એ-તૈયબામાં જોડાયા હતા અને એ બન્ને માર્યા ગયા છે અને આનો શ્રેય સ્થાનિક લોકોને જાય છે. જેમણે સેના, પોલીસ અને સરકારને પૂરેપૂરો સહકાર આપ્યો છે. 2019થી કાશ્મીરમાં આતંકવાદી હુમલાની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. સાઉથ એશિયા ટેરેરિઝમ પોર્ટલ અનુસાર, 2018માં આવા હુમલાઓમાં 452 લોકોના જીવ ગયા હતા, એની સરખામણીમાં 2025માં આ આંકડો 92 હતો. પહેલગામ હુમલા પછીની કાર્યવાહી નિર્ણાયક સાબિત થઈ છે. 370મી કલમ રદ થયા પછી સૌથી મોટો બદલાવ સ્થાનિકે એ આવ્યો છે કે, લતીફ ભટના માર્યા ગયા પછી ન તો કાશ્મીરમાં કોઇ પથ્થરબાજી થઇ કે ન તો તેના માટે સૂત્રો પોકારાયા. ન તો તેની અંતિમયાત્રામાં લોકો જોડાયા. ભૂતકાળમાં બૂરહાન બાની અને અબ્દુલ મજીદના માર્યા ગયા પછી જે પથ્થરબાજી, સૂત્રો અને તેની અંતિમયાત્રામાં લોકો જોડાયા હતા. એ બધું હવે ભૂતકાળ બની ગયું છે. એટલે જ ગૃહમંત્રી અમિત શાહે હવે ખીણ વિસ્તારમાં કોઇ સ્થાનિક આતંકી ન હોવાનું કહ્યું છે. તેમણે આ માટે જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફને અભિનંદન પણ આપ્યાં છે, તો બીજી તરફ લતીફ ભટના માર્યા ગયા પછી પાકિસ્તાને રોદડાં રોવાનું આદત મુજબ શરૂ કર્યું છે. ખુદ પાક વડાપ્રધાન શાહબાઝ શરીફે તેનાં મોત પર કહ્યું છે કે, પાકિસ્તાન તેમને નૈતિક અને રાજકીય સમર્થન આપવાનું ચાલુ રાખશે. જો કે, એક પડકારનો અંત આવ્યો હોવા છતાં સીમાપારથી થતી ઘૂસણખોરી મોટી સમસ્યા છે. પાકિસ્તાન આતંકવાદને પોષવાની પોતાની નીતિ પર અડગ છે અને સાથે જ આંતરરાષ્ટ્રીય મંચો પર આ કાશ્મીર મુદ્દે રોદડાં રોવાનું પણ છોડતું નથી. સારી વાત એ છે કે, ભારતે હવે એક જ મોરચે લડવાનું છે. સ્થાનિકોનો સહભાગ અને સ્થપાયેલી શાંતિને પગલે આર્થિક ગતિવિધિઓમાં વધારો થતાં યુવાનોને ગેરમાર્ગે દોરી તેમને આતંકમાં સાંકળવાનું પ્રમાણમાં મુશ્કેલ થઈ રહ્યું છે, કેમ કે, સરકાર કાશ્મીરના યુવાનો માટે શિક્ષણ અને રોજગારની તકો ઊભી કરવા પર ભાર આપી રહી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd