નલિયા, તા. 23 : અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય
પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ત્રણેય તાલુકાની જનતા માટે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના
સહયોગથી નલિયા ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન યોજાયું હતું. સમારૈહના અધ્યક્ષસ્થાનેથી પૂર્વમંત્રી
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આગામી દિવસોમાં નર્મદાનાં વધારાનાં પૂરનાં પાણીથી ડેમ ભરવાની
યોજના સાકાર થવાની છે. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલી ઉદ્બોધન
કર્યું હતું. રૂા. છ હજાર કરોડના ખર્ચે નર્મદાનાં સિંચાઇ માટે ચાલતાં કામો પૂર્ણ થતાં
વિસ્તારના નાગરિકોને નર્મદાનાં પાણી મળતાં વર્ષોનું સપનું સાકાર થશે તેવો આશાવાદ તેમણે
વ્યક્ત કર્યો હતો. મુખ્ય આયોજક ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ
જાડેજાએ વાતને આગળ વધારતાં કહ્યું કે, નર્મદાનાં પાણી આવવાનાં
છે તેની લાંબા સમયથી લોકો રાહ જોઇ બેઠા છે. છ હજાર કરોડની રકમના વિકાસકામો પૂર્ણ થઇ
ચૂકયાં છે જ્યારે હજુ ચાર હજાર કરોડનાં કામો કરવાના બાકી છે. વિકાસની દૃષ્ટિએ અબડાસા
એ હવે સાચા અર્થમાં નંબર વન તાલુકો ગણાશે. તાજેતરમાં 28 એમ્બ્યુલન્સ અબડાસા મતવિસ્તારના આરોગ્ય કેન્દ્રોને મળી છે જ્યારે
50 ગ્રામ પંચાયતનાં બિલ્ડિંગોનાં
કામો મંજૂર થયાં છે. શ્રી જાડેજાએ આ વિસ્તારમાં અંતરિયાળ ગામોને જોડતા રસ્તા, નાના-મોટા પુલના અઢળક કામો સંપન્ન થયાં છે.
શૈક્ષણિક વિકાસ માટે પ્રત્યેક તાલુકા મથકે કોલેજ, ગ્રામ્ય વિસ્તારોમાં
માધ્યમિક શાળા, આરોગ્ય કેન્દ્રો સહિત આમ જનતાને માળખાંકીય જરૂરી
વિકાસકામો પૂર્ણ કરાયાં છે, જ્યારે પોલીસ તંત્રની નિક્રિયતાને
કારણે વધેલું દારૂનું દૂષણ, સીમાડામાં ગાંડો બાવળ કાપી કોલસા
બનાવી શ્રમિકો પોતાની રોજી રોટી મેળવી શકે તે માટે તંત્રની છૂટ આપવામાં આવી છે. વર્તમાન ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સૌ
ગામોના ગ્રામજનો એકતા, સંપ, સંગઠનથી ગ્રામ
પંચાયતો બિનહરીફ- સમરસ બનાવવાથી ગામોમાં કોઇ માથાકૂટ, વિવાદ ન
સર્જાય તે માટે ગ્રા.પંચાયતો સમરસ કરી સરકાર દ્વારા ગામના વિકાસ માટે મળતી વધારાની
ગ્રાન્ટોનો લાભ લેવા જાડેજાએ અપીલ કરી હતી. આરંભમાં સમારોહને અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટયથી
આરંભ કરી સ્વાગત પ્રવચન અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ કર્યું હતું. નખત્રાણા
તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઇ કેશરાણી, લખપત તાલુકા ભાજપના
પ્રમુખ ગણપતભાઇ રાજગોરની ઉપસ્થિતિમાં જિલ્લા-તાલુકા પંચાયતના હોદ્દેદારો, સદસ્યો, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ વસંતભાઇ વાઘેલા,
કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, ઉપપ્રમુખ દમયંતીબેન
સેંઘાણી, પાર્ટીના નેતા
સવિતાબેન સોલંકી, દંડક જાગૃતિબેન ઠક્કર, અબડાસા તા.પં.ના પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા, ઈન્દ્રજિતસિંહ
જાડેજા, નખત્રાણા તા.પં.ના પ્રમુખ ભારતીબેન ગોસ્વામી,
લખપત તા.પં. પ્રમુખ ગંગાબેન બળિયા, વિવિધ ગામોના
સરપંચો, સદસ્યો, સમાજ, સંસ્થાઓના પ્રમુખ, અગ્રણીઓ, પાર્ટીના
કાર્યકરો, ગામેગામથી આવેલા મોટી સંખ્યામા શુભેચ્છકોની હાજરીમાં
નૂતનવર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન, સન્માન થયા હતા. આગેવાનો
રાજુભાઇ સરદાર, જયસુખભાઇ પટેલ, નરેશ મહેશ્વરી,
ઉમરશી ભાનુશાલી, ગણપતભાઇ રાજગોર, જિલ્લા ભાજપ મંત્રી પરેશભાઇ ભાનુશાલીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં નૂતનવર્ષે પાર્ટીના
તમામ અગ્રણી, હોદ્દેદારો, કાર્યકરો નવા
સંકલ્પ પ્રકલ્પો સાથે સંગઠિત બની લોકકલ્યાણનાં કાર્યો કરી સરકાર- પાર્ટીની પ્રતિભા
વધારવા જણાવ્યું હતું. અનિરુદ્ધસિંહ જાડેજા, કમા સુરા રબારી,
સોઢા રાજુભા, જટાશંકરભાઇ, જેશા ભોપા, રાજેન્દ્રસિંહ જાડેજા હાજર થયા હતા. પ.ક.
ટ્રક ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ સામારોહનાં આયોજનની વ્યવસ્થામાં મહેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ સોઢા, મહેશ દેસાઇ, ભાવેશ આઇયાએ સહયોગ આપ્યો હતો.