કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : કચ્છના પીઢ - અભ્યાસસમૃદ્ધ
નેતા મહેશભાઇ ઠક્કર સમયાંતરે કલમ ઉઠાવીને કચ્છમિત્રનાં માધ્યમથી પોતાના અનુભવોનો નિચોડ, પ્રશ્નોની ચર્ચા સાથે તેનો ઉકેલ રજૂ કરતા હોય
છે. તાજેતરમાં નર્મદા યોજનાને લગતી તેમની વાતોએ ભૂતકાળના કેટલાક બનાવો પર બાઝી ગયેલાં
કરોળિયાનાં જાળા ખંખેર્યાં. નર્મદા યોજના કચ્છની જીવાદોરી અને કચ્છની રાજનીતિમાં બે
- ત્રણ દાયકા સુધી ચર્ચાતો મુદ્દો રહ્યો છે. કચ્છ આજે ગુજરાતના સૌથી ઝડપી ગતિએ વિકસતા
જિલ્લા તરીકે ખ્યાતિપ્રાપ્ત થયો છે. અર્થતંત્ર ધબકી રહ્યું છે. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ઊભું થયું છે. એક જમાનો હતો, જ્યારે કચ્છીઓ વિકાસની ઝંખના સાથે
સૂરજબારી પુલની પેલે પાર નેજવું ધરીને બેસતા. જૂની પેઢીના વડીલોને યાદ હશે કે સિત્તેર
- એંસીના દાયકામાં કચ્છના પ્રશ્નો અપાર... પણ ગાંધીનગર કે દિલ્હી તરફથી ખાસ દરકાર ન
લેવાતી... આજની પેઢીને કદાચ કલ્પનાય નહીં હોય... દેશને આઝાદી મળી, એ પછીના ગાળામાં કચ્છ `ક' વર્ગનું રાજ્ય
- `સી' સ્ટેટ હતું. `સી' સ્ટેટ એટલે રાજ્યનો દરજ્જો, પણ તેનું નિયમન કેન્દ્ર સરકાર હસ્તક. ગુજરાત વિધાનસભાના પ્રથમ કચ્છી સ્પીકર
કુન્દનલાલ ધોળકિયાએ `શ્રુતિ અને
સ્મૃતિ કચ્છ'માં આ ઇતિહાસ ખૂબ રસાળ રીતે
ઉલ્લેખ્યો છે. 31 ઓક્ટોબર, 1956ના કચ્છનો
`ક' રાજ્ય દરજ્જો ખતમ થયો અને મુંબઇ રાજ્યનો એક જિલ્લો બન્યું. 1લી મે,
1960ના ગુજરાત રાજ્યની સ્થાપના
થતાં કચ્છ ફરી તેનો હિસ્સો બન્યું. એક રાજ્ય જેટલો વિસ્તાર, જુદી સંસ્કૃતિ, લોકજીવન,
તેમ છતાં કચ્છ માત્ર જિલ્લો બનીને રહી ગયું. ત્રિપુરા અને મણિપુર રાજ્યો
રહી શકતાં હોય, તો કચ્છ કેમ નહીં ? આ મુદ્દો
લાંબી ચર્ચાનો છે. અલગ કચ્છ રાજ્ય માટે ચળવળે ચાલી. કચ્છના રાજવી પરિવારના દિવંગત મહારાવ
પ્રાગમલજી - ત્રીજા અલગ કચ્છ સ્ટેટના પ્રખર હિમાયતી, પરંતુ હકીકત
એ છે કે કચ્છ માટે એ વખતની નેતાગીરી સામે અવાજ ઉઠાવે, ઝઝૂમીને
હિતકારી નિર્ણય લેવડાવે એવી કોઇ લીડરશિપ જ નહોતી. એ સમય કોંગ્રેસનાં આધિપત્યનો અને
રાજકીય સોગઠાંબાજીમાં સૌ કોઇ પોતાની પોઝિશન ગોઠવવા માટે સચિંત હોય, એ સ્વાભાવિક છે. એ સમયે કચ્છ વિકાસ ઝંખતું રહ્યું. ડો. મહિપતરાય મહેતાએ કચ્છને
મુંબઇ સાથે ભેળવવા સામે પણ વિરોધ કર્યો હતો. તેમણે વિકાસ બોર્ડને ન માત્ર જીવનનું ધ્યેય
બનાવ્યું, બલ્કે પોતાની ઉજ્જવળ જણાતી રાજકીય કારકિર્દી અને તે
સમયનાં સર્વેસર્વા ઇન્દિરા ગાંધી સાથેના સંબંધો ઉપરે પૂર્ણવિરામ મૂકી દીધું હતું...
કચ્છમિત્રમાં પ્રસિદ્ધ કેટલીક વિગતો પર નજર કરતાં જણાય છે કે કચ્છને વિકાસ બોર્ડ મળી
જ ચૂક્યું હતું, પરંતુ એ સપનું કદી વાસ્તવિકતા ન બની શક્યું.
ડો. મહેતાએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં સિલસિલાબંધ વિગતો આપી હતી.
એ સમયના ગુજરાતના સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઇએ રાજ્ય પુન:રચના સમિતિ સમક્ષ પ્રસ્તાવ
રજૂ કર્યો હતો કે કચ્છને દ્વિભાષી મુંબઇ રાજ્ય સાથે જોડવામાં આવે તો તેના આર્થિક વિકાસ
માટે સ્વાયત્ત વિકાસ બોર્ડ પણ આપવું જોઇએ. એટલું જ નહીં, કચ્છ
માટે પૂરતાં નાણાં ફાળવવામાં આવે છે કે કેમ તે પર ધ્યાન આપવા કેન્દ્ર સરકારે સમિતિ
પણ નીમવી જોઇએ. આ પ્રસ્તાવ રાજ્ય પુન:રચના સમિતિએ સ્વીકાર્યો હતો. ભારતનાં વડાપ્રધાન
ઇન્દિરા ગાંધીએ કચ્છની મુલાકાત લઇને જિલ્લાની આર્થિક પછાત પરિસ્થિતિમાં કોઇ સુધારો
ન થયાનું પારખ્યું હતું. તેમને ખાતરી થઇ હતી કે કચ્છને બંધારણની કલમ 371(2) હેઠળ સ્વાયત્ત વિકાસ બોર્ડ
આપવું જોઇએ. 1976માં તેમની સરકારે કચ્છને આવું
વિકાસ બોર્ડ આપવાનું નક્કી સુદ્ધાં કરી લીધું હતું. રાજ્યસભામાં તેની જાહેરાત થઇ, એ પછી લોકસભામાં ભારત સરકારના ગૃહમંત્રી બ્રહ્માનંદ
રેડ્ડીએ કેન્દ્રના આ નિર્ણયની જાહેરાત કરી. ત્યારબાદ 1977માં રાષ્ટ્રપતિએ કચ્છને બંધારણની
કલમ 371(2) પ્રમાણેનું વિકાસ બોર્ડ આપવાનો
હુકમ બહાર પાડયો ને તેનો તુરત જ અમલ કરવાનોય નિર્દેશ કર્યો...વિકાસ બોર્ડ માટે કચ્છને
ખૂબ આંબા - આંબલી દેખાડવામાં આવ્યાં હતાં. કેન્દ્ર સરકારના નિર્ણય, રાષ્ટ્રપતિની સહી, ગુજરાતના
રાજ્યપાલને એ મતલબનો હુકમ મળ્યાની વિધાનસભામાં જાહેરાત... છતાં ગુજરાતની એ સમયની સરકારોમાં
કચ્છનો વહેલો વિકાસ અટવાઇ ગયો. જાન્યુઆરી - 1994માં રાજ્યના એ સમયના મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલે ગાંધીધામ ખાતે
સેન્ટ જોસેફ હોસ્પિટલ ખુલ્લી મૂકવા આવ્યા ત્યારે રાજ્ય હકૂમતનું કચ્છ વિકાસ બોર્ડ આપવાની
તૈયારી દર્શાવી હતી. ડો. મહેતાએ એ પત્રમાં નોંધ્યું હતું કે 1977માં માધવસિંહ સોલંકીએ અને એ
પછી બાબુભાઇ જસભાઇ પટેલની સરકારે પણ કચ્છ માટે તેનો અમલ કર્યો નહીં. ડો. મહેતા 23/12/1977ના વડાપ્રધાન મોરારજી દેસાઇને
મળવા ગયા... અને કાર્યવાહક રાષ્ટ્રપતિ શ્રી જતીના કચ્છને બંધારણીય હક્ક પ્રમાણે વિકાસ
બોર્ડ આપવાના હુકમનો તુરત અમલ થાય એવી સૂચના ગુજરાતના મુખ્યમંત્રીને પાઠવવા અનુરોધ
કર્યો. મોરારજીભાઇ તાડૂક્યા... `િવકાસ બોર્ડ...
વિકાસ બોર્ડ શું કરો છો?' ડો. મહેતાએ
જવાબ આપ્યો કે હું કોઇ દયા કે ભીખ માગવા નથી આવ્યો. ચીમનભાઇ પટેલે રાજ્યના તાબા હેઠળનું
વિકાસ બોર્ડ આપવાની કરેલી પેશકસ કોઇને મંજૂર નહોતી... ડો. મહેતાએ વિકાસ બોર્ડ માટેની
કચ્છની ન્યાયી માગણી અભેરાઇએ લટકતી રહી ગઇ તેનાથી નારાજ થઇને કોંગ્રેસ સાથે છેડો ફાડી
નાખ્યો હતો... કચ્છ આજે વિકસી ગયું છે, પણ કેન્દ્રનું વિકાસ બોર્ડ
સિત્તેરના દાયકામાં મળી ગયું હોત તો આજનું કચ્છ કદાચ વધુ સુરેખ, સુનિયોજિત હોત...