કોઈ પણ દેશના વિકાસમાં માર્ગોનાં માળખાંનો વિકાસ ચાવીરૂપ બની રહેતો હોય છે. સારા માર્ગોથી પરિવહન સરળ અને ઝડપી બની શકે છે, જેના લીધે ઈંધણ અને સમયની બચત સરવાળે દેશના વેપાર ઉદ્યોગમાં ભારે મદદરૂપ બને છે, પણ આધુનિક ભારતમાં સારા બનતા જતા માર્ગો આર્થિક ઉન્નતિની સાથે જીવલેણ અકસ્માતોના કારણ બની રહ્યાની ગમગીન કરે એવી હકીકત વધુ ને વધુ સ્પષ્ટ બની રહી છે. એક્સપ્રેસ વે હોય કે ફોર લેન હાઈવે હોય દેશના માર્ગોના વિસ્તરણના કામો ઝડપભેર હાથ ધરાઈ રહ્યા છે, તેવા સમયે આ માર્ગો પરના વાહન વ્યવહારને નિયંત્રિત કરીને સલામતી પર ધ્યાન આપવાની જરૂરત રોજબરોજ બનતા અકસ્માતો પરથી છતી થઈ રહી છે. આસામના કાજીરંગામાં મિની બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા કમકમાટીભર્યા અકસ્માતમાં વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 23 જણનાં મોત થયાના બનાવે દેશભરમાં માર્ગ સલામતીની સ્થિતિ અંગે ચિંતા જગાવી છે. આમ તો દરેક રાજ્ય અને જિલ્લામાં રોજબરોજ બનતા માર્ગ અકસ્માતોમાં એકલ-દોકલ લોકોના જીવ જતા હોય છે. પણ કાજીરંગા જેવા બનાવ સમયે માર્ગ સલામતીની ચિંતા સ્વાભાવિક રીતે ઊભી થતી હોય છે. કાજીરંગાના અકસ્માતમાં જે મિની બસમાં મોત થયા તેની સામે અત્યાર સુધી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના 12 મેમો અપાઈ ચુક્યા હતા. આવામાં સવાલ એ છે કે, સારા માર્ગો પર બેફામ દોડતાં વાહનો અને તેના ચાલકો સામે ટ્રફિકના નિયમોના પાલન માટે કોઈ નક્કર અને કાયમી વ્યવસ્થા નથી. સંસદમાં રજૂ કરાયેલા આંકડા ખરા અર્થમાં ભારે ભયંકર ચિત્ર ખડું કરે છે. વર્ષ 2025માં દેશમાં પ,13,પ63 માર્ગ અકસ્માત પોલીસ ચોપડે નોંધાયા હતા, જેમાં 1,83,382 જણનાં મોત થયાં હતાં. આમ સરેરાશ જોઈએ તો રોજ લગભગ પ00 લોકો માટે માર્ગો જીવલેણ બને છે. આ અકસ્માતોમાં લગભગ 4.71 લાખ લોકો ઘાયલ થયા હતા. એક તરફ દેશના વિકાસ માટે ચાવીરૂપ આવા સારા માર્ગો સિક્કાની બીજી કાળી બાજુમાં સામાજિક અને પારિવારિક આફત નોતરતા રહે છે. સૌ કોઈ જાણે છે કે, અકસ્માતોની પાછળનું મુખ્ય કારણ બેફામ ઝડપ હોય છે. સામે આવેલા આંકડા મુજબ દેશમાં થતા અકસ્માતોમાં 70.3 ટકામાં ઓવર સ્પીડિંગ કારણરૂપ હોય છે. દારૂ પીને વાહન ચલાવવા, રોંગ સાઈડમાં ડ્રાઈવિંગ, હેલમેટ અને સીટબેલ્ટનો ઉપયોગ ન કરવા જેવા કારણો પણ અકસ્માત નોતરતા હોય છે. વળી માર્ગ અકસ્માતોમાં 46.2 ટકા કિસ્સામાં ટુ વ્હીલર વાહનોનો હિસ્સો હોય છે. આ આંકડા સતત વધી રહ્યા છે, જે ખરા અર્થમાં વધતા જતા જોખમ અંગે ચિંતા જગાવે છે. આ માટે નવા માર્ગો બાંધવા કે જૂનાને પહોળા કરવા તથા અકસ્માત સમયે વળતર આપવાના પગલાં માર્ગો પરના જોખમને હળવું કરે તેમ નથી. ખેરખર તો ટ્રફિકના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારાના લાયસન્સ અને વાહનોની પરમીટ રદ કરવા અને વાહનોના ફિટનેસની સતત ચકાસણી કરવા પર ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. માર્ગો પર બેફામ વાહનોની સામે કેમેરક અને સ્પીડ ગન જેવા સાધનોની તૈનાતી વધારીને ચાલકો પર સતત નજર રાખવાના પગલાં લેવાવા જોઈએ. સરકારે માર્ગોને સુવિધાજનક બનાવવાની સાથોસાથ સલામત સફરના માધ્યમ બનાવવા પર પણ ગંભીરતા સાથે ધ્યાન આપવું જોઈએ.