• મંગળવાર, 24 નવેમ્બર, 2026

ભુજમાં ચાલુ બસે ઊતરવા જતાં પડી ગયેલા ઘાયલ વૃદ્ધનું સારવારમાં મોત

ભુજ/ગાંધીધામ, તા. 23 : અહીં ચાલુ લકઝરી બસમાંથી ઊતરવા જતા પડવાથી ઘાયલ થયેલા શહેરના 60 વર્ષીય વૃદ્ધ પીરમામદ સમાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. બીજી તરફ ગઢશીશામાં 42 વર્ષીય યુવાન હરેશ બાબુલાલ આંઠુએ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો.  આ ઉપરાંત મેઘપર બોરીચીમાં આવેલા યશ રોડલાઈન્સમાં વોશબેસીન પર હાથ ધોતાં પગ લપસી જતાં ઈજાઓનાં પગલે ઉમાભાઈ મોહન શંકર (ઉ.વ. 51)એ જીવ ખોયો હતો. ભુજના પ્રાગસર તળાવ પાસે રહેતા વડીલ પીરમામદ સમા મોટા દિનારામાં લગ્નપ્રસંગે ગયા હતા જે તા. 14/11ના પરત ભુજ લકઝરી બસ જીજે-12- સીવી-4208વાળીથી આવતા હતા. સવારે સૂરમંદિર પાસે ચાલુ બસે ઊતરવા જતાં બેલેન્સ ગુમાવતાં નીચે પટકાયા હતા. આથી તેમને માથાંમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચતાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તા. 22/11ના સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યાની વિગતો એ-ડિવિઝન પોલીસ મથકે જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજી તરફ માંડવી તાલુકાના ગઢશીશાના બાલકૃષ્ણ નગરમાં રહેતા હરેશ બાબુલાલ આંઠુ ઘણા સમયથી એકલવાયું જીવન જીવતા હોઈ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા હતા. આથી તા. 22/11ના પોતાની જાતે ઘરમાં આવેલા રૂમમાં છતના હૂકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવ દઈ દીધાની વિગતો ગઢશીશા પોલીસ મથકે તેમના ભાઈ વિરામે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત મેઘપર બોરીચીમાં રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ યશ રોડલાઈન્સ, પ્લોટ નંબર 11માં ગઈકાલે આ બનાવ બન્યો હતો. અહીં કામ કરનાર ઉમાશંકર નામના આધેડ  વોશબેસીન પર હાથ ધોવા ગયા હતા દરમ્યાન પગ લપસી જતાં માથાંના પાછળના ભાગે ઈજાઓ થઈ હતી. તેમને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે આ આધેડને મૃત જાહેર કર્યા હતા. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd