• બુધવાર, 25 નવેમ્બર, 2026

ભુજની ખેલાડીનો કુરાશ સ્પર્ધામાં ડંકો : રાજ્યસ્તરે કાંસ્ય પદક

ભુજ, તા. 23 : અહીંની પ્રતિભાશાળી ખેલાડી હિયા મેહુલ જોષીએ રમતગમત ક્ષેત્રે બેવડી સિદ્ધિ હાંસલ કરીને કચ્છ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હિયાએ તાજેતરમાં યોજાયેલી એસજીએફઆઇ રાજ્ય કક્ષાની કુરાશ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત ડિસેમ્બર મહિનામાં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાનારી  નેશનલ કુરાશ ચેમ્પિયનશિપ 2026-27 માટે પણ ક્વોલિફાઈ થઈ છે. ગુજરાતમાંથી હિયાની કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધા માટે પસંદગી પામનારી તે એકમાત્ર ખેલાડી છે. આ સાથે તે કચ્છની પ્રથમ ખેલાડી તરીકે રાષ્ટ્રીય કક્ષાની કુરાશ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જશે. હિયાની આ સફળતા પાછળ લાંબી મહેનત, સંઘર્ષ અને રમત પ્રત્યેનો અતૂટ જુસ્સો રહેલો છે. આ અગાઉ પણ હિયાએ જુડો રમતની રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં કચ્છ જિલ્લા તરફથી ભાગ લઈને કુલ છ મેડલ પ્રાપ્ત કર્યાં હતાં અને કચ્છને ગૌરવ અપાવ્યું હતું. જુડોમાં પોતાની પ્રતિભા સાબિત કર્યા બાદ હવે કુરાશ રમતમાં પણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઊભી કરી છે. આ સિદ્ધિની વિશેષ વાત એ છે કે, સ્થાનિક સ્તરે કુરાશ રમત માટે કોઈ કોચની સુવિધા ઉપલબ્ધ ન હોવા છતાં હિયાએ પોતાની વ્યક્તિગત મહેનત, સતત અભ્યાસ, આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પના આધારે આ મુકામ હાંસલ કર્યો છે. અનેક ઉતાર-ચઢાવ અને પડકારો વચ્ચે પણ હિયાએ હાર માન્યા વગર પોતાની  રમતને આગળ વધારી છે. હિયાની આ બેવડી સિદ્ધિ બદલ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ અભિનંદન પાઠવી તેની સફળતાને બિરદાવી હતી. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના કન્વીનર અને જાણીતા એડવોકેટ હેમાસિંહભાઈ ચૌધરી તેમજ માતૃછાયા શાળા પરિવારનાં આચાર્યા સુહાસબેન તન્ના તથા વ્યાયામ શિક્ષક મનીષભાઈ પટેલે પણ હિયાની સિદ્ધિની પ્રશંસા કરી હતી.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd