• સોમવાર, 23 નવેમ્બર, 2026

ગુજરાતમાં રાજકીય સળવળાટ; રાજનીતિને જ્ઞાતિવાદનો રંગ

કારતક માસના પ્રથમ 10 દિવસ વીતી ગયા હોવા છતાં ઠંડી તો પડતી નથી, પરંતુ ગુજરાતના રાજકીય ક્ષેત્રે પણ અચાનક ગરમાવો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષ જેના ઉપર વધારે આધાર રાખે તેવા કોળી સમાજ અને પાટીદાર સમાજમાં થયેલા નિવેદન અને ત્યાર પછી તે બંને વચ્ચે જે વિધાનો થયા તે પછી સતત ઉકળાટની સ્થિતિ છે. હજી ચૂંટણીનો જંગ ગુજરાતમાં જામવાને એક વર્ષ જેવો સમય બાકી છે, ત્યાં જ રાજકીય રંગ ઘેરો બન્યો છે. 30 વર્ષથી ગુજરાતમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટીનું સોશિયલ એન્જિનીયારિંગ જળવાઈ રહે તેની સામે આ પડકાર છે. કારણ કે, તે જ પક્ષના ધારાસભ્ય-નેતાઓએ આ મુદ્દા ઉપાડયા છે.  દ્વારકામાં કોળી સમાજના એક કાર્યક્રમમાં વકતવ્ય આપતાં ધારાસભ્ય પબુભા માણેકે કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી કોળી સમાજમાંથી જ હોવા જોઈએ. તેમણે સમાજનો કાર્યક્રમ સમજીને કદાચ સહજતાથી આ વાત કરી હોય, તો પણ અત્યારે શાંત રહેલા રાજકીય સરોવરમાં પથ્થર ફેંક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 45 જેટલી વિધાનસભા બેઠક ઉપર કોળી સમાજનો પ્રભાવ છે. ધોળકા, ધંધુકા, વિરમગામ, સૌરાષ્ટ્રમાં રાજુલા, લાઠી, ધારી, પાલિતાણા, તળાજા, ભાવનગર, લીંબડી, ચોટીલા, વઢવાણ, વિસાવદર, માંગરોળ, કેશોદ, જસદણ અને ઊના બેઠકો પર કોળી મતદારો નિર્ણાયક છે. પબુભાએ કરેલું નિવેદન આ સમાજના અગ્રણી અને ત્રણ દાયકાથી ભાજપ સાથે રહેલા પરસોત્તમ સોલંકી તથા તેમના ભાઈ હીરાભાઈ સોલંકીએ ઉપાડી લીધું છે.  શક્ય છે કે, 2027 વિધાનસભા ચૂંટણીમાં વધારે ટિકિટ અને મહત્ત્વના પદ માટે આ સમાજ આગ્રહ રાખે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સ્થિતિની નાજુકતા પારખીને કહ્યું છે કે, આ સ્થિતિમાં તો હું પણ કોળી સમાજની સાથે છું. બીજી તરફ 1995થી ભાજપની સત્તા માટે નિર્ણાયક રહેલો પાટીદાર સમાજ પણ બહાર આવ્યો છે. પાટીદાર અનામત આંદોલનના અગ્રણી નેતા દિનેશ બાંભણિયાએ બે દિવસ પહેલાં એવું કહ્યું કે, અનામત આંદોલનને કારણે આપણે આનંદીબેન જેવા સક્ષમ મુખ્યમંત્રી ગુમાવવા પડયા. ઉલ્લેખનીય છે કે, વિવિધ ધાર્મિક મંચો ઉપરથી પણ અલગ-અલગ પદ સંદર્ભે નિવેદનો થતા રહ્યા છે. બંને સમાજે પોતાની વાત મૂકી ત્યાં સુધી કોઈ બીજો પ્રશ્ન નથી, પરંતુ પછીથી તેઓ એકમેકની સામે હોય તેવી છબી ઉપસ્થિત થઈ છે, ત્યાં એક અવાજ એવો પણ ઊઠયો છે કે, મુખ્યમંત્રી પદ કોઇ જ્ઞાતિ-સમાજને આધિન ન હોવું જોઇએ. સક્ષમ અને લાયક વ્યક્તિને જ આ જવાબદારી સોંપાય. ગુજરાતના રાજકારણમાં અચાનક આ સ્થિતિ ઊભી થઈ છે. જ્ઞાતિવાદ નવી વાત નથી, પરંતુ આ પદ તથા પ્રભુત્વના મુદ્દા કોઈ પક્ષના કોઈ અંદાજ વગર સપાટી ઉપર આવ્યા છે. ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગર આવ્યા ત્યારે તેમણે વિવિધ વિભાગના મંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો, તે પછી પણ અનેક અટકળો, ચર્ચાઓ વહેતી થઈ હતી. તે પછી આ બંને જ્ઞાતિની વાત આવી છે. પબુભાનું નિવેદન કે અન્ય કોઈ જ્ઞાતિની માગણી એ વ્યક્તિગત અભિપ્રાય નથી, પરંતુ સત્તામાં બૃહદ ભાગીદારીની ઈચ્છાનો રાજકીય સંકેત છે. લોકશાહીમાં દરેકને પોતાની માગણી રાખવા અને વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ સામાજિક સમરસતા અને રાજ્ય - રાષ્ટ્રના હિતથી ઉપર કાંઈ નથી. જનસંખ્યા નેતા ચૂંટવા માટે મહત્ત્વની છે, પરંતુ રાષ્ટ્ર ઘડતરમાં કોઈ પણ સમુદાયનું યોગદાન વધારે અગત્યનું છે અને પદ સાથે તે વધુ જોડાયેલું છે. સતત ચર્ચા તો એ છે કે, મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ તે મુદ્દો પબુભાએ શા માટે ઉઠાવ્યો? ફક્ત તે સમાજનો કાર્યક્રમ હતો ત્યાં આવું બોલવું જોઈએ, તેથી બોલ્યા હોય તો તેના આવા પ્રત્યાઘાત પડશે તેવો અંદાજ તેમને હોવો જોઈએ. શું આ નિવેદન પાછળ કોઈ ગણતરી છે? ચૂંટણી નથી ત્યારે આ બધા વિધાનો-નિવેદનોના કારણ અંગે અનુમાન કરવાનું અઘરું છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd