ગાંધીધામ, તા. 26: સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર
જગાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ આદિપુરના 4-એ વિસ્તારમાં પણ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી સાથે બે શખ્સોને
પોલીસે ઝડપી પાડયો હતો. આ બંને શખ્સોને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા તેમના
નવ દિવસના રીમાન્ડ મંજુર થયા હતા. આદિપુરના 4-એ વિસ્તારમાં રિદ્ધિસિદ્ધિ કોમ્પલેક્સ પ્લોટ નંબર-1, દુકાન નંબર 46માં સરહદી રેન્જની ટીમે ગઈકાલે પૂર્વ બાતમીના
આધારે છાપો માર્યો હતો. અહીંથી મુંબઈના હિતેશકુમાર ખીમજી બાંભણીયા તથા મથુરાના રાધાકિશન
ડાલચંદ જાટની ધરપકડ કરવામાં આવી હતી. અહીંથી સફેદ રંગનું પારદર્શક કેમિકલ, ક્રોમિન, પાણી,
વાયુ મિશ્રણ, ખાલી ક્વાર્ટરીયા, બાઈક, મશીન 5 વગેરે મળીને કુલ રૂા. 7,38,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દુકાન પ્રકાશ છતારામ ટેવાની
છે અને તેમની પાસેથી રાજકુમાર બ્રિઝકિશોર શર્માએ ભાડે રાખી હતી. રાજસ્થાનનો રાજુ નામનો
આ શખ્સ મુખ્ય માથુ હોવાનું સપાટી ઉપર આવ્યું છે. આ જ શખ્સે મુંબઈથી તમામ સામગ્રી મંગાવી
આપી હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. પકડાયેલા આ બંને શખ્સોને રીમાન્ડની માંગ
સાથે કોર્ટમાં રજૂ કરાતા બંનેના તા. 3/9 સુધી નવ દિવસના રીમાન્ડ મંજુર થયા હોવાનું તપાસ કર્તા એલ.સી.બી.
પી.આઈ. જે. એમ. વાડાએ જણાવ્યું હતું. આ ભેજાબાજોને કોણે-કોણે મદદ કરી છે અન્ય કોણ કોણ
સંડોવાયેલું છે, માલ ક્યાંથી કઈ દુકાન,
ફેક્ટરીમાંથી આવ્યું હતું તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.