નવી દિલ્હી, તા.26 : ઈથેનોલ બનાવવામાં
મકાઈના વધતા ઉપયોગને કારણે ઈંડાંના ભાવમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં
ઈંડાંની કિંમત આશરે 35-40 ટકા જેટલી
વધી છે અને શિયાળામાં માંગ વધવાની સાથે ભાવમાં હજુ વધારો થવાના દબાણની શક્યતા છે. રોજિંદી
ખાદ્ય વસ્તુઓ પર મોંઘવારીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ખાંડ અને અન્ય વસ્તુઓ બાદ ઈંડાંના
ભાવ પણ ઝડપી વધારો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં ઈંડાંની કિંમત 40 ટકા સુધી ઊછળી છે. નેશનલ એગ
કો-ઓર્ડિનેશન કમિટી (એનઈસીસી)એ જણાવ્યું હતું કે પોલ્ટ્રી ફાર્મથી નીકળનારાં એક ઈંડાંની
કિંમત રૂા.7 સુધી પહોંચી ગઈ છે. જ્યારે છૂટક બજારમાં
તેના ભાવ રૂા. 9 સુધી પહોંચ્યા છે. મરઘીઓના ચારામાં મકાઈ
મુખ્ય છે અને હાલમાં મકાઈની માંગ ઈથેનોલ બનાવવામાં વધી જતાં તેની સીધી અસર મરઘીના ચારા
પર પણ પડી છે. ભારતમાં પેટ્રોલમાં ઈથેનોલની મેળવણી વધારવાની નીતિને કારણે ઈથેનોલ ઉત્પાદનમાં
અનાજનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. સરકારે પણ ઈથેનોલ ઉત્પાદન માટે મકાઈની ઉપલબ્ધતા વધારવા
અને ઈથેનોલ પ્લાન્ટની આજુબાજુ મકાઈ ઉત્પાદને વધારવાનાં પગલાં ભર્યાં છે.