ભુજ/ગાંધીધામ, તા. 26 : ગઇકાલે બપોરે
મુંદરા પોર્ટના ગોદામ નજીક મજૂરી કરતા પતિની સામે જ પગેથી સામેથી તેની પાસે પત્ની રોશન
નન્હેખા કુરેશી (ઉ.વ. 45)ને ટ્રકે
કચડી નાખતાં ગંભીર ઇજાના પગલે તેનું મોત નીપજ્યું હતું. અંજારના વરસામેડી શક્તિધામ
વિસ્તારમાં ઘરે રમતાં પડી જતાં ઇજાઓના પગલે ધીરજ અશોક દેવીપૂજક (ઉ.વ. 15) નામના કિશોરનું મોત થયું હતું.
બીજીબાજુ મીઠીરોહરમાં બેન્સાની ઓરડીમાં કયેમઅલી ઝંદરતાલી (ઉ.વ. 26) નામના યુવાને ગળેફાંસો ખાઇ
જીવ દીધો હતો તેમજ મેઘપર (કુંભારડી) નજીક ટ્રેનની હડફેટે પ્રદિપ બાબુલાલ ઠક્કર (ઉ.વ.
55)નું મોત થયું હતું.
મૂળ મધ્યપ્રદેશના અને હાલે નાના કપાયા રહેતા તથા એક્ટિવ કાર્ગો
મુવર્સમાં મજૂરી કરતા નન્હેખા અલ્લાનૂર કુરેશીએ મુંદરા પોલીસ મથકે ગઇકાલે નોંધાવેલી
ફરિયાદ મુજબ બંને સવારે રાબેતા પ્રમાણે સી બર્ડ સીએસએફમાં મજૂરી કામે ગયા હતા. બપોરે
ત્રણ વાગ્યે તે ગોદાન નં. 1 પાસે ઊભો
હતો અને નત્ની રોશન પગે ચાલી તેની પાસે આવી રહી હતી ત્યારે ગોદામ-1 અને બેની વચ્ચે ટ્રક નં. જી.જે. 32-ટી. 5535વાળાના ચાલકે બેદરકારી અને
ગફલતભરી રીતે ટ્રક ચલાવી ડ્રાઇવર સાઇડે વળાંક લેતાં ફરિયાદીની પત્ની રોશનને અડફેટે
લઇ ટ્રકની ડ્રાઇવર સાઇડનું પાછળનું ટાયર તેના પર ચડાવી દેતાં રાડારાડ કરી હતી. ફરિયાદી
અને અન્યો ત્યાં દોડી જઇ ઘાયલ રોશનને એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ
કરી કાર્યવાહી કરી હતી.
વરસામેડી શક્તિધામ વિસ્તારના શારદાનગરમાં ગઇકાલે સાંજે અપમૃત્યુનો
બનાવ બન્યો હતો. ધીરજ દેવીપૂજક નામનો કિશોર પોતાના ઘરે હતો. દરમ્યાન પોતાના ભાઇ સાથે
રમી રહ્યો. રમતાં-રમતાં પડી જતાં તેના માથામાં ઇજાઓ પહોંચી હતી. તે સારવાર અર્થે લઇ
જવાતાં ફરજ પરના તબીબે આ કિશોરને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની
તપાસ હાથ ધરી છે.
વધુ એક બનાવ મીઠીરોહરમાં સ્વાસ્તિક ટિમ્બર નામના લાકડાના બેન્સામાં
બન્યો હતો. અહીં બેન્સાની ઓરડીમાં રહેનાર કયેમઅલી નામનો યુવાન ગત તા. 24-8ના સવારે પહેલા રૂમ ઉપર હતો.
દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બનાવની આગળની તપાસ
પોલીસે હાથ ધરી છે.
અપમૃત્યુનો અન્ય બનાવ મેઘપર (કુંભારડી) આદિત્યનગર પાછળ મોગલ
માતાના મંદિર સામે રેલવે પાટા ઉપર બન્યો હતો. ગોલ્ડન સિટી સોસાયટીમાં રહેનાર પ્રદિપ
ઠક્કર નામના આધેડ કોઇ કારણે પાટા બાજુ ગયા હતા, જ્યાં તે ટ્રેનની હડફેટે ચડતાં ગંભીર ઇજાઓના પગલે તેમનું મોત થયું હતું. બનાવ
અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.