ઘનશ્યામ મજીઠિયા દ્વારા : રાપર, તા. 26 : આઠ હજાર કરતાં વધુ ઢોરને નીભાવતી
ગુજરાત અને સંભવત: ભારતની મોટી પાંજરાપોળો પૈકીની એક રાપર પાંજરાપોળ ગંભીર આર્થિક અને
ઘાસચારાની અછતનો સામનો કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈરાન અને અમેરિકાનાં યુદ્ધમાં
પેટ્રોલ ડીઝલની અછત અને કિંમતોમાં થયેલો તાતિંગ ભાવવધારો ઘાસચારાની અછત ઊભી કરી રહ્યો
હોઈ એમાં વરસાદ ખેંચાતાં હવે લીલો સૂકો ઘાસચારો સાવ દોહ્યલો બની રહ્યો હોવાનું જીવદયા
મંડળના પ્રમુખ વિપુલભાઈ મહેતાએ જણાવ્યું હતું. વૈશ્વિક મંદીની અસર ભારત પર પણ થઈ હોવાથી
મુંબઈ અને અન્ય શહેરોમાં વસતા દાતાઓ પણ આર્થિક તાણમાં આવી ગયા હોવાથી તેઓનો હાથ પણ
ખેંચાયેલો રહે છે. જેના કારણે સંસ્થા આર્થિક ખેંચ અનુભવી રહી હોવાનું જણાવ્યું હતું.
સૂકો ઘાસચારો છેક પંજાબ, હરિયાણા અને
રાજસ્થાનથી અને જે ભાવે આવે એ ભાવે નાછૂટકે મગાવવો પડે છે. આઠ હજારથી વધુ જીવ બચાવવા
સંસ્થા ઝઝૂમી રહી છે. ત્રણ વિભાગમાં ફેલાયેલી આઠ હજાર કરતાં વધુ ઢોરને અને 65થી વધુ કર્મચારીને સાચવતી આ મહાકાય સંસ્થાનો
દૈનિક ખર્ચ જ છ લાખથી વધુ હોવાથી એફડી કે અન્ય કોઈ આવક નહીંવત હોવાથી કાયમી ભંડોળ નહીં
હોવાથી માત્ર દાતાઓ પર જ નિર્ભર હોવાનું પ્રમુખ વિપુલભાઈ મહેતાએ જણાવ્યું હતું. આ એકમાત્ર
એવી પાંજરાપોળ છે કે જ્યાં કોઈ પણ જીવને `િશવ' માની આશરો
આપવામાં આવે છે. અદ્યતન ઓપરેશન થિયેટર, મેડિકલ સ્ટોર,
વેટરનરી તબીબ સહિતની સુવિધા ધરાવતી રાપર પાંજરાપોળમાં બીમાર,
અસક્ત અને મા વિહોણા વાછરડી, વાછરડા, ઊંટ, ઘોડા, નીલગાય, પાડી-પાડા, ઘેટા-બકરાં, સસલાં,
કબૂતર, તેતર વગેરે દરેક જીવને પનાહ આપવામાં આવે
છે, તો કૂતરાને રોટલા બનાવી ખવડાવવામાં આવે છે. લમ્પી વખતે રાપર
તાલુકાના ગામોમાં પાંજરાપોળ દ્વારા આરોગ્ય રથ ફેરવી સ્થળ પર સારવાર અને રસીકરણ કરવામાં
આવ્યું હતું. માત્ર ગાયો જ નહીં, 3500 જેટલા નંદી ભગવાનને પણ આ સંસ્થા સાચવી રહી છે. રાપર, ગાંધીધામ અને ભુજ નગરપાલિકા પણ આખલાઓ પકડીને
રાપર પાંજરાપોળમાં મોકલી આપતાં આ અબોલ ગૌવંશને આ સંસ્થા સાચવે છે, તો પોલીસ દ્વારા ગેરકાયદે કતલખાને લઈ જવાતા ઢોરને પકડીને રાપર પાંજરાપોળમાં
રાખવામાં આવે છે. કહેવાય છે કે, માણસને જોઈએ રોટલો અને ઢોરને
જોઈએ પોટલો એ ન્યાયે આ આઠ હજાર જેટલા જીવને પાળતી પોષતી જીવદયા મંડળ સંચાલિત રાપરની
પાંજરાપોળ વર્તમાન મંદી અને વરસાદ ખેંચાતાં ઘાસચારાની અછતથી હાંફી રહી છે. સરકાર દ્વારા
રાપર પાંજરાપોળ સહિત તમામ ગૌશાળાઓને ઘાસચારાની વ્યવસ્થા કરવા પત્ર લખી માગણી કરવામાં આવી હોવાનું જણાવી જીવદયાપ્રેમીઓને
ઉદાર બનવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.