• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

સરકાર વિરોધી આંદોલન જીવંત રાખવાની તજવીજ

ભારતીય કોકરોચ પાર્ટી અને રાજકીય નેતાઓ ગમે તે રીતે અને ભોગે આંદોલન જીવંત રાખવા માગે છે ! અભિજિત દીપકે શાળાઓમાં અને નેતાઓ રાજકારણમાં... તમામ રાજકીય પક્ષો હવે યુવા પેઢી - જેન-ઝીની શક્તિને સ્વીકારે છે, પણ વિરોધ પક્ષો તો તેમનાં નામે પોતાનો રોટલો શેકવા અને સરકાર પર દબાણ લાવવાનો દાવ ખેલી રહ્યા છે. ખભે બંદૂક રાખવા મળી છે, તો આડેધડ ગોળીબાર કરી લો. સુપ્રીમ કોર્ટે સમિતિ નીમી હોવા છતાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દિલ્હી પોલીસે દેખાવકારો ઉપર પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો તેના પુરાવારૂપે એક યુવાનને લઈને સંસદ માર્ગના પોલીસ મથકે ગયા અને એફઆઈઆર નોંધવાની માગણી કરી. એમની સાથે પ્રિયંકા વાડરા પણ જોડાયાં. જ્યાં સુધી ફરિયાદ નોંધાશે નહીં ત્યાં સુધી અમે પોલીસ મથકમાંથી બહાર નહીં જઈએ, એમ કહીને ધરણાં શરૂ કર્યાં. આખરે વધુ રાજકીય તમાશો થાય નહીં તે માટે ગૃહ ખાતાંની સૂચનાથી ફરિયાદ નોંધવામાં આવી. રાહુલ ગાંધીએ અમિત શાહ અને ગૃહ સચિવ સામે ફરિયાદ નોંધાવીને `અમારો વિજય થયો'ની જાહેરાત કરી... સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિ વિદ્યાર્થી દેખાવકારો અને પોલીસની પણ ફરિયાદ સાંભળશે એવી ખાતરી આપવામાં આવી છે છતાં તપાસ સમિતિને અવગણીને પોલીસ મથકે ફરજિયાત ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ તપાસ સમિતિ ઉપર વિશ્વાસ નથી ? સુપ્રીમ કોર્ટ ધારે તો કહી શકે છે કે, નેતાઓ ડાયરેક્ટ એક્શનમાં હોય તો અમારી શી જરૂર? પણ રાજકીય નેતાઓ અને ન્યાયમૂર્તિઓ વચ્ચે આ ફરક છે - જવાબદારી અને બેજવાબદારીનો! કોંગ્રેસને તો છીંડું શોધતાં આખે-આખો રાજમાર્ગ મળી ગયો છે. બીજી બાજુ જેન-ઝીનાં નામે કોકરોચ પાર્ટીના કેટલાક નેતાઓ રાજસ્થાનનાં એક ગામમાં તપાસ કરવા ગયા. ભેંસના તબેલામાં વિદ્યાર્થીઓ બેઠા હતા, કારણ કે, એમની શાળાનું મકાન ભંગાર હતું. તૂટી પડવાની શક્યતા હતી, તેથી કામચલાઉ વ્યવસ્થા થઈ હતી, પણ કોકરોચ - અહીં ગંદકી-ભ્રષ્ટાચાર સૂંઘીને આવ્યા ત્યારે ગામલોકોએ મારીને ભગાડયા. ગામને બદનામ કરવા નહીં દેવાય એવો ખુલાસો થયો. સીજેપીનો દાવો છે કે, અમને મારી ભગાડનારા ભાજપના કાર્યકર્તાઓ હતા. જો કે, હવે સામસામી એફઆઈઆર, ડેડલાઇન અને દાવા-પ્રતિદાવાનો દોર ચાલશે. રાજસ્થાનમાં 611 શાળા ઇમારત વિનાની છે, એવી સ્પષ્ટતા રાજ્ય સરકારે કરી છે. ભાજપ પર ફરી ઠીકરું ફોડવાનો પ્રયાસ શરૂ થયો છે, પણ આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને આ તેમનું જ પાપ છે. દરમ્યાન ગઇ 20મી જુલાઇના દિલ્હીમાં જંતરમંતર પર થયેલાં પ્રદર્શન વખતે થયેલા લાઠીચાર્જ અને ઘર્ષણમાં કેટલાય લોકો પર કેસ થયા હતા. સીજેપીએ પ્રદર્શન સમાપ્તિ માટે કરેલા વાયદા એક મહિના પછી પણ પૂરા ન થવાથી પાંચમી સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઇન્ડિયા ગેટથી દિલ્હી પોલીસના હેડક્વાર્ટર સુધી શાંતિપૂર્ણ માર્ચ કાઢવાનો નિર્ણય જાહેર કર્યો છે. હવે અભિજિત દીપકે કહે છે - લોકો સામે કાનૂની પગલાં નહીં લેવાય તો ફરીથી જંતરમંતર થશે! ઝારખંડ મુદ્દે મૌન સેવનાર કોકરોચે ભાજપશાસિત રાજ્યમાં માથું ઊંચક્યું છે.

Panchang

dd