• મંગળવાર, 21 જુલાઈ, 2026

વસ્તીવૃદ્ધિ દરમાં બદલાવ : સુપ્રીમનું મહત્ત્વનું નિરીક્ષણ

એક જમાનામાં દેશમાં વસ્તીવૃદ્ધિનો દર ખૂબ ઊંચો હતો. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું મોટું પ્રમાણ અને પ્રાથમિકથી લઇને માળખાંકીય સુવિધાઓની મર્યાદાને લીધે સમાજ વ્યવસ્થા પર ખૂબ દબાણ રહેતું, પણ જનજાગૃતિમાં વધારો, શિક્ષણનું ઊંચું પ્રમાણ અને સોશિયલ મીડિયાના પ્રસાર સાથે ફેલાતી સમજણને લીધે સિનારિયો પલટી ગયો છે. હાલ ઘડીએ ભારત વસ્તીની દૃષ્ટિએ ચીનને પાછળ રાખીને વિશ્વનો પ્રથમ ક્રમનો દેશ બની ગયો છે, છતાં ભારતની વસ્તીનું પરિદૃશ્ય નવા દોરમાં પહોંચ્યું છે. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે ખૂબ મહત્ત્વની ટિપ્પણી કરી કે બેથી વધુ સંતાન ધરાવતા હોય તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવામાં ગેરલાયક ઠેરવવાના નિયમની પ્રાસંગિકતા શું હજુએ રહી છે ખરી ? એક જમાનામાં સરકારે વસ્તી નિયંત્રણ માટે ખૂબ મહેનત કરવી પડતી. સરકારી નીતિ અને પ્રચારમાં `અમે બે અમારા બે'નું સૂત્ર અપનાવાતું. ફિલ્મ અને ટેલિવિઝનથી લઇને જાહેર પરિવહન, જાહેર સ્થળોએ તેનો પ્રચાર થતો, સંતતિ નિયમનની શત્રક્રિયા માટે ઝુંબેશ ચાલતી અને મહિલાઓ-પુરુષોને આકર્ષિત કરવા માટે રોકડ વળતર અપાતું. આવી અમુક યોજનાઓ આજે પણ અમલમાં છે, પણ એકંદરે સિવિલ બોડી ચૂંટણીઓમાં વધુ સંતાનોનો નિયમ વસ્તીના ઘટતા દર સાથે મેળ નથી ખાતો. સર્વોચ્ચ અદાલતની ટિપ્પણીમાંથી નીપજેલા પ્રશ્નોની સરકારી સ્તરે ચર્ચા અને જરૂરી સુધારા થવા જોઇએ. ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી `સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ સ્ટેટેસ્ટિક્સ રિપોર્ટ 2024' કહે છે કે, ભારતમાં કુલ પ્રજનન દર (ટીએફઆર) ઘટીને 1.9 થઇ ગયો છે, જે 2.1ના રિપ્લેસમેન્ટ સ્તરથી ઓછો છે. દેશમાં ઉત્તર ભારતનાં છ રાજ્ય તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ જ રિપ્લેસમેન્ટ સ્તરથી ઊંચે છે. ભારતનું પાટનગર દિલ્હી 1.2, કેરળ-તામિલનાડુ-પશ્ચિમ બંગાળ એ ત્રણેમાં (1.3) પ્રજનન દર દેશમાં સૌથી નીચો છે. અહીં એ હકીકત ધ્યાન માગી લે છે કે, ભારતમાં આજે પણ શહેરોની તુલનાએ ગ્રામીણ ક્ષેત્રોમાં જન્મદર ઊંચો છે. જનસંખ્યા વૃદ્ધિમાં આ અસમાનતા દૂર થાય એવી નીતિની અનિવાર્યતા સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો સાર છે એમ કહી શકાય. આજે પારસી, જૈન સહિતની જ્ઞાતિઓમાં ઘટતો સંતતિ દર ચિંતાનો વિષય છે. શિક્ષણનું ઊંચું પ્રમાણ, સંયુક્ત પરિવારો વિભાજિત થવા, ભૌતિક સુખ-સુવિધાનો મોહ, કામકાજમાં અતિવ્યસ્તતા અને શિક્ષણ-આરોગ્ય સહિતનું જીવનધોરણ મોંઘું થવા જેવાં કારણોને લઇને આજે યુવાવર્ગમાં એક સંતાન અથવા તો એક પણ સંતાન નહીંનું વલણ વ્યાપક બન્યું છે. આજનો યુવાવર્ગ કેરિયરમાં સેટલ થયા પછી જ લગ્નનું વિચારે છે, ત્યારે વય ત્રીસ-પાંત્રીસે પહોંચી ગઇ હોય છે. ભારતીય સમાજનું ચિત્ર ઝડપભેર બદલાતું જઇ રહ્યું છે, ત્યારે બાળકોની સંખ્યાના આધારે નાગરિકને સિવિલ બોડી ચૂંટણી લડતા રોકવાની વાત તર્કસંગત નથી જણાતી. સમયની સાથે અપ્રાસંગિક કાયદામાં ફેરફાર થવો જોઇએ. આવા કાયદા ગરીબ, ગ્રામીણ પરિવારો અને ખાસ તો મહિલાઓ માટે અવરોધરૂપ બની રહ્યા છે. વસ્તીવૃદ્ધિ દરમાં નિરંતર ઘટાડાની અસર આગામી વર્ષોમાં વધુ વર્તાશે એને ધ્યાનમાં રાખીને સર્વગ્રાહી નીતિ બનાવવી એ સમયની માંગ છે.

Panchang

dd