• સોમવાર, 20 જુલાઈ, 2026

કચ્છ અને કચ્છીયતનો પર્યાય; કચ્છમિત્ર

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : ધરતીકંપ પછી કચ્છમાં કેટકેટલીય સ્ટોરી સર્જાણી છે. લોકોની વેદના, પરિવાર વિચ્છેદ, બેઠા થવાની તાલાવેલી, સંઘર્ષ, એ પછી નવસર્જનની `બેનમૂન' કહેવાયેલી ગાથા અને ઔદ્યોગિક વિકાસનો દોર... એ આખી પ્રક્રિયામાં કચ્છમિત્રને કોઇ જુદું પાડી ન શકે. દરેક સુખ-દુ:ખમાં વણાયેલું... પ્રાદેશિક અખબાર તરીકે કચ્છમિત્રની જનચાહના કેવી છે એનું એક દૃષ્ટાંત જાણવા જેવું છે. ભૂકંપ પછીના ગાળામાં કચ્છ ઉપર ઘણા અભ્યાસ થયા... જાપાન, અમેરિકા, બ્રિટન જેવા દેશોમાંથી જુદા-જુદા ક્ષેત્રના લોકોએ આવીને મહિનાઓ વીતાવ્યા. એવા જ એક યુ.કે.ના સંશોધક ડો. એડવર્ડ સિમ્સનએ ગાળામાં લાંબો સમય કચ્છમાં ગાળ્યો... પુસ્તક તૈયાર કર્યું... કચ્છને, કચ્છીઓને બરોબર પિછાણી ગયા હતા. કચ્છમિત્રના માંડવી ક્ષેત્રના સિનિયર પત્રકાર દેવેન્દ્ર વ્યાસ સાથે શ્રીમાન એડવર્ડને ઘરોબો રચાઇ ગયો. તેમનું બ્રિટિશ ફેમિલી પણ સમયાંતરે કચ્છ અને માંડવી આવી ચૂક્યું છે. એ ઘટના યાદ કરતાં દેવેન્દ્રભાઇ કહે છે, એડવર્ડના પરિવારજનો કચ્છ વિશે થતી કોઇ પણ વાત સમજી જતા... એડવર્ડ થોડું ગુજરાતીએ જાણી શક્યા હતા... એકવાર કચ્છ વિશેની વાતચીત દરમ્યાન `કચ્છમિત્ર'નો ઉલ્લેખ થયો... પહેલીવાર માંડવી આવેલા ડો. એડવર્ડના સસરાએ પૂછ્યું, `વોટ ઇઝ કચ્છમિત્ર...?' એડવર્ડે એક શબ્દમાં જવાબ આપ્યો, `ઇટ ઇઝ બાઇબલ ફોર કચ્છ એન્ડ કચ્છીઝ...' 20મી જુલાઇએ આઠ દાયકાની સફરનો માઇલસ્ટોન અંકિત કરવા જઇ રહેલાં કચ્છમિત્રની ચાહનાના પ્રમાણરૂપ અનેક દૃ:ષ્ટાંતો પૈકીનું આ એક છે. હાલના બાંગલાદેશના હાઇકમિશનર નિયુક્ત થયેલા કચ્છી માડુ દિનેશભાઈ ત્રિવેદીએ એક સમયે કહેલા શબ્દો સ્પર્શી જાય તેવા છે. તેમણે કહ્યું હતું... કચ્છમિત્ર દાખલો બેસાડનારું એટલા માટે છે કે તમે દિલથી છાપું કાઢો છો... દિમાગ વગર કંઈ થઈ ન શકે પણ દિલમાંથી નીકળતું ઝનૂન ઉમેરાય તો જ કચ્છમિત્ર જેવાં અખબારનું સર્જન થાય. આ તાજેતરની વાત થઈ. હવે સવા છ દાયકા પહેલાંની વાત જોઈએ. 1959માં ઈન્દિરા ગાંધી કોંગ્રેસ પ્રમુખની રૂએ કચ્છ આવ્યા હતા... ચાર દિવસનો પ્રવાસ પૂરો કરીને પરત જતાં ઈન્દિરાજીએ કચ્છમિત્રનાં માધ્યમથી સ્વહસ્તાક્ષરમાં શુભેચ્છા સંદેશ પાઠવતાં કહ્યું હતું કે, `મુઝે યહ સૂનકર હર્ષ હુવા કી ઇસ સમાચારપત્રને અપના ઊંચા સ્તર કાયમ રખા હૈ...' આ બંને અવતરણ વચ્ચે દાયકાઓનું અંતર હોવા છતાં એનો અર્ક એક્સરખો છે. કચ્છમિત્રની સાતત્યતા. ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી સીએમ બન્યા તે પહેલાં કચ્છમિત્ર ભવન આવી ચૂક્યા છે. પી.એમ. તરીકે પણ તેમણે કચ્છમિત્રને બિરદાવ્યું છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહ બીએસએફના રાઇઝીંગ-ડે સેલિબ્રેશનમાં ભુજ આવ્યા ત્યારે મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા અને ટ્રસ્ટી સંજય એન્કરવાલા સાથેની વાતચીતમાં ભૂખી નદીના પ્રકલ્પનું જાણીને આનંદ વ્યક્ત કર્યો હતો. કચ્છમિત્ર અને કચ્છીઓ એકબીજાના પર્યાય છે. કચ્છની અનેક વિશિષ્ટતાઓ છે. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, સંસ્કૃતિ, ગ્રામીણ પરિવેશ, રણની વિવિધતા, ભાતીગળ લોકજીવન... એ રીતે `કચ્છમિત્ર' પણ કચ્છની ખૂબી છે. કચ્છ તેની અસીમિત કચ્છીયત જાળવી શક્યું છે એની પાછળનાં કારણોમાંનું એક કારણ છે કચ્છમિત્રનું હોવું. અહીં આત્મશ્લાઘા કરવાનો કોઈ આશય નથી. આ લખનારે સાડા ત્રણ દાયકા કરતાં લાંબી સફરમાં કચ્છમિત્રની એક સૈનિક તરીકે અને એ પહેલાં એક વાચક તરીકે અખબારની ખૂબી અનુભવી છે. કચ્છ માટેના પાગલપણાનો અહેસાસ કર્યો છે. આજે ડિજિટલ યુગમાં દુનિયાના ખૂણે બનતી ઘટના ક્ષણભરમાં વાયરલ થઇને કરોડો લોકો સુધી પહોંચી જાય છે, પણ જૂના જમાનામાં ન્યૂઝ ગેધરિગ એટલું સરળ નહોતું, છતાં છેક બનાસકાંઠા સરહદે શત્રોરૂપી મોતનો સામાન પકડાય ને પોલીસ પહેલાં કચ્છમિત્રની ટીમ પહોંચી ગઈ હોય, રણ સીમાએ ઘૂસણખોરીના વાવડ મળે ને પોલીસ પલ્ટન સાથે કચ્છમિત્રની જીપ સીમાડા ખૂંદતી હોય... ચૂંટણીની ગરમી પરાકાષ્ટાએ હોય ને રિપોર્ટિંગમાં તટસ્થતા એવી દર્શાવાય કે સરકારી વિજ્ઞાપનો બંધ થઈ જાય... અયોધ્યામાં વિવાદાસ્પદ માળખાંનો ધ્વંશ થયો. એ જમાનામાં ટીવી કે ઇન્ટરનેટ ક્રાંતિ નહોતી થઈ... ને કચ્છમિત્રએ આ અતિસંવેદનશીલ ઘટનાની ટેલિપ્રિન્ટર લાઈન પર મળેલી વિગતોની જાણ કરવા કલેક્ટર કચેરીએ સામે ચાલીને પહોંચી જાય કે ખબર તો છે  ને ? સાવધાની રાખજો... કચ્છની કોમી એકતા અકબંધ રહેવી જોઈએ. વારાણસીમાં કચ્છમાં ભૂકંપની તીવ્ર સંભાવનાઓની એક ભૂસ્તરશાત્રી દ્વારા આલબેલ પોકારવામાં આવતી હોય એ સેમિનારમાં પણ કચ્છમિત્ર હાજર હોય. ધરતીકંપ વખતે ડગલે ને પગલે સરકારી અધિકારીઓ, ભૂકંપપીડિતો, રાજકારણીઓ વચ્ચે કચ્છમિત્રનું સેતુ બની રહેવું... સુનામી પછી દક્ષિણ ભારતના રાજ્યોમાં કચ્છી સંસ્થા માછીમારો માટે દંગા, માર્કેટ, ઘર બનાવતી હોય... એનો અહેવાલ મેળવવા કચ્છમિત્ર છેક નગાપટ્ટીનમ્ પહોંચી જાય... ને ગ્રામસ્વરાજ સંઘની કામગીરીનો તાજો ચિતાર વાચકો સમક્ષ પેશ કરે... કચ્છની નર્મદા યોજના માટેની લડત પરાકાષ્ટાએ હતી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ એ સમયના તંત્રી કીર્તિભાઇ ખત્રીને કહેવું પડે, નર્મદાના પ્રશ્નની કચ્છની જનતાને કે જનપ્રતિનિધિઓને ક્યાં એટલી પડી છે ? આ તો કચ્છમિત્રનો પ્રશ્ન છે. અખબાર આવી કામગીરી નિસબત વિના ન કરી શકે. કચ્છ જ્યારે વિકાસ ઝંખતું હતું ત્યારે કચ્છમિત્ર તેની વાચા બન્યું. આજે નવા ઝડપી યુગમાં  બધા ક્ષેત્રોમાં સંતુલિત વિકાસ પહોંચે, કચ્છ થ્રીસિકસ્ટી ડિગ્રીના એંગલથી સંતુલિત વિકસે એની ચિંતા સાથે શ્રેણીબદ્ધ કાર્યક્રમો, સેમિનાર, જૂથચર્ચા યોજીને કચ્છમિત્ર માર્ગદર્શક બની રહ્યું છે. ડિજિટલ પ્લેટફોર્મ સાથે કચ્છમિત્રએ ડ્રોઇંગરૂમથી કિચન સુધી પહોંચ લંબાવી છે. કચ્છ અને કચ્છીઓ માટે દિલ અને ઈમાન કુરબાન કરવાની કચ્છમિત્રની ખાસિયત છે. એને લીધે જ આજે પણ કચ્છીઓ તથા બિનકચ્છીઓમાં કચ્છમિત્ર પ્રત્યેની ચાહના ભરી પડી છે. એક જમાનો હતો જ્યારે સારા વરસાદના હેવાલો મેળવવા મુંબઈના મસ્જિદ બંદરે કચ્છમિત્રની હાર્ડકોપી બ્લેકમાં વેચાતી. જાણીતા ટીવી પત્રકા2 દિબાંગ એબીપી ન્યૂઝ માટે નેપાળનો ધરતીકંપ કવર કરવા ગયા હોય ને... તેમને 2001ના ભૂકંપ પછી ખુલ્લામાં બેસીને કામ કરતું `કચ્છમિત્ર' યાદ આવે. કચ્છમિત્રના ઈતિહાસ સાથે આવી અનેક ગૌરવવંતી ઘટનાઓ વણાયેલી છે. કચ્છમિત્રના શબ્દોનું વજન શાશ્વત છે. કચ્છમિત્રમાં છપાયેલા હેવાલના આધારે અનેક નોધારા પરિવારોને મદદ પહોંચી છે. કચ્છમિત્રનું પત્રકારિત્વ જુદું પડતું છે. ગુજરાતી પત્રકારિત્વમાં કચ્છમિત્રએ આગવું સ્થાન જમાવ્યું છે. શબ્દોને કદી સીમાડા નથી નડતા. લખાણ ચોટદાર અને સત્યવચન હોય તો તેની અસર થવાની જ. કચ્છમિત્ર તેની નિષ્પક્ષના અને પ્રામાણિકતા થકી જ સર્વસ્વીકૃત છે. 

Panchang

dd