નવી દિલ્હી, તા. 20 : દેશમાં વીસ
ટકા ઈથેનોલ ભેળવેલું પેટ્રોલ એટલે કે ઈ-20 ઈંધણથી વાહનોના એન્જિન ખરાબ થવા કે તેના અચાનક બંધ થવાનો કોઈ
સચોટ અહેવાલ નથી એમ કેન્દ્ર સરકારે આજે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં જણાવ્યું
હતું. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે દેશભારમાં
ચાલી રહેલાં 23 કરોડથી વધુ વાહનોના ચલાવવાના
અનુભવો અને અનેક વૈજ્ઞાનિક અધ્યયનોના આધારે આ નિષ્કર્ષ નીકળ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું
હતું કે ઈ-20 ઈંધણથી એન્જિનને નુકસાન પહોંચ્યાનો
કોઈ પુરાવો મળ્યો નથી. જૂની ગાડીઓની એવરેજમાં મામૂલી ઘટાડો નોંધાયો છે. રાજ્યસભામાં
મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે દેશમાં 20 કરોડથી વધારે દ્વિ-ચક્રી અને ત્રણ કરોડથી વધારે પેટ્રોલ કાર
વર્તમાનમાં ઈથેનોલ મિશ્રિત ઈંધણ પર ચાલી yરહ્યા છે. તેમાં એક મોટી સંખ્યા એ જૂના વાહનોની પણ છે જેમને
ઈ-20 પ્રમાણપત્ર મળ્યા અગાઉ ઉત્પાદિત
કરવામાં આવ્યા હતા. એ તમામ ગાડીઓના ડેટા અને
સર્વિસ રેકોર્ડ જોયા બાદ પણ ઈથેનોલ મિશ્રણને કારણે એન્જિન ફેલ થવા કે કોઈ મોટા વ્હીકલ
બ્રેકડાઉનની કોઈ સચોટ પુષ્ટિ થઈ નથી. સરકારે ગૃહને જણાવ્યું હતું કે દેશને ઈ-20 ઈંધણ તરફ લઈ જવાનો નિર્ણય અચાનક
લેવામાં આવ્યો નથી.તે સંપૂર્ણ રીતે ક્રમબદ્ધ અને વૈજ્ઞાનિક સાક્ષ્યો પર આધારિત છે.
વર્ષ 2013-14માં જ્યાં પેટ્રોલમાં ઈથેનોલનું
મિશ્રણ માત્ર 1.53 ટકા હતું તે વૈજ્ઞાનિક રીતે
અને તમામ હિતધારકો સાથે દરેક સ્તરે વિચારવિર્મશ કર્યા બાદ જ વર્ષ 2025-26 સુધીમાં વધારીને 20 ટકા કરવામાં આવ્યું હોવાનું
સરકારે જણાવ્યું હતું.