નવી દિલ્હી, તા. 20 : યુદ્ધગ્રસ્ત
યુક્રેનમાં ફરી ભારતીય નાગરિકો નિશાન બન્યા હતા. ઓડેસા બંદરથી રવાના થયેલાં માલવાહક
જહાજ `એમ.વી. ગોલ્ડન લિયો' પર રવિવારે થયેલા ઘાતક મિસાઇલ હુમલામાં ચાર
ભારતીય નાવિકોનાં મોત થઇ ગયાં હતાં, તો ગંભીર હદે ઘાયલ થયેલા
એક ભારતીયને હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ ખતરનાક હુમલાની ઘટનાએ વધુ એકવાર કાળા સમુદ્ર
ક્ષેત્રમાં વધતા ખતરા અને વેપારી જહાજોની સુરક્ષા પર ચિંતા વધારી નાખી છે. ભારત સરકારે
આ લોહિયાળ મિસાઇલ હુમલાની ટીકા કરતાં કહ્યું હતું કે, કારોબારી
જહાજો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનાં કૃત્ય ખોટાં અને અસ્વીકાર્ય છે. ભારતીય
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય દૂતાવાસ સતત યુક્રેની
અધિકારીઓના સંપર્કમાં છે. હુમલામાં જીવ ખોનાર નાવિકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ સાથે
વિદેશ મંત્રાલયે પ્રભાવિત લોકોની દરેક સંભવ મદદ કરવાનો ભરોસો આપ્યો હતો. બીજીતરફ યુક્રેનના
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોલ્ડન લિયો જહાજ ઓડેસા બંદરથી મકાઇ
લઇને રવાના થયું હતું ત્યારે તેના પર રશિયાનાં ત્રણ ક્રૂઝ મિસાઇલોથી હુમલો કરાયો હતો.
યુક્રેની નૌકાદળે કહ્યું હતું કે, હુમલા બાદ જહાજમાં આગ લાગી
ગઇ હતી. સમુદ્રમાં જહાજમાંથી ગાઢ ધુમાડા ઊંચે સુધી ફેલાયા હતા. તલાશી અને બચાવ અભિયાન
દરમ્યાન આઠ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા. જહાજ પર કુલ 17 સભ્ય હતા, જેમાંથી પાંચ ભારતીય હતા. ભારતીયોમાં જીવ ખોનાર
એક શખ્સ કેરળનો છે. 26 વર્ષના મૃતકની
ઓળખ અખિલ જોયન તરીકે થઇ છે. મળતી માહિતી મુજબ ગોલ્ડન લિયો મુંબઇ સ્થિત `ઓશન ગ્રેસ શિપિંગ લિમિટેડ'નું જહાજ છે, જેનો વહીવટ
ફ્રેન્ડસ શિપિંગ કંપની એસએ કરે છે. આમ, રૂસી ક્રૂઝ મિસાઇલોના
લોહિયાળ હુમલા બાદ કાળો સમુદ્ર ફરી લડાઇનું કેન્દ્ર બન્યું છે.