નવી દિલ્હી, તા. 20 : ચોમાસુ સત્રના
પહેલા જ દિવસે સોમવારે રામમંદિર ચડાવા ચોરી, નીટ પેપર લીક જેવા મુદ્દાઓથી સંસદ ગાજી હતી. વિપક્ષી સાંસદોએ આ મુદ્દાઓ પર
ચર્ચાની માંગ કરી હતી. મોદી સરકાર પર પ્રહારો, આરોપો કરીને વિપક્ષી
છાવણીએ હંગામો મચાવતાં આજે લોકસભા અને રાજ્યસભાને એક જ દિવસમાં છ-છ વાર સ્થગિત કરવા
પડયા હતા. બન્ને ગૃહો વિપક્ષી ધમાલના સાક્ષી બનતાં કાર્યવાહી જ થઈ શકી નહોતી. સંસદનાં
ચોમાસું સત્રનો પહેલો દિવસ ધોવાઈ ગયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં
જંતરમંતર પર કોકરોચ જનતા પાર્ટીનાં પ્રદર્શનની ચર્ચા કરી હતી. ખડગેએ આરોપ મૂક્યો હતો કે, દિલ્હીમાં જંતરમંતર પર બાળકો એકઠાં થયાં છે, તેમનો અવાજ
દબાવાઈ રહ્યો છે. સરકાર તેમના પર લાઠીચાર્જ
કરી રહી છે. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, અમે સૌ શિક્ષણના મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યા છીએ. શિક્ષણનીતિમાં અનેક
ગંભીર સમસ્યાઓ છે. સરકાર આવા ગંભીર વિષયો પર ચર્ચા કરવા માટે તૈયાર જ નથી. છાત્રો પર
અશ્રુવાયુ છોડે છે, મારપીટ કરે છે, આખરે
શા માટે...? આ આપણાં જ બાળકો છે, તેવા પ્રહાર
પ્રિયંકાએ કર્યા હતા. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું હતું કે, દેશમાં અનેક ગંભીર મુદ્દા છે, જેના પર સંસદમાં ચર્ચા
થવી સ્વભાવિક અને જરૂરી છે. જ્યારે શાંતિપૂર્ણ પ્રદર્શન થઈ રહ્યું હતું, તો પછી લાઠીચાર્જની શું જરૂર હતી તેવો સવાલ પણ થરૂરે ઊઠાવ્યો હતો. કોંગ્રેસના
અન્ય સાંસદ કે. સી. વેણુગોપાલે આરોપ મૂક્યો હતો કે, સરકાર જનતાના
મુદ્દાઓ પ્રત્યે પૂર્ણપણે અસંવેદનશીલ છે. કોંગ્રેસના તમામ નેતઓએ સોમવારે ચોમાસુ સત્રના
પહેલા દિવસે બન્ને ગૃહોમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માંગ કરી
હતી.