કોલકાતા, તા. 20 : પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીને
કાનૂની મોરચે મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે કલકત્તા હાઇકોર્ટ દ્વારા તેમના ફ્રીઝ કરવામાં
આવેલા બેંક ખાતાંઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેવામાં આવ્યો છે.
કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ કૃષ્ણ રાવે આ મામલે વચગાળાનો આદેશ જાહેર કરીને બેંક ખાતાંઓ
પરનો પ્રતિબંધ હટાવવાની અરજી ફગાવી દીધી છે. આ સમગ્ર વિવાદ એપ્રિલ 2023થી જૂન 2026 વચ્ચે કેરવેલ એવીએશન ઇન્ડિયા
પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે જોડાયેલી કંપનીઓ વચ્ચે થયેલા શંકાસ્પદ વ્યવહારો સાથે
સંકળાયેલો છે. તપાસ એજન્સીના આરોપ અનુસાર આ નાણાકીય વ્યવહારો એક લક્ઝરી `એમ્બ્રેયર લેગેસી 600' વિમાન અને એક `અગસ્તા 109 ગ્રાન્ડ ન્યૂ' હેલિકોપ્ટરની ખરીદી માટે કરવામાં આવ્યા હતા. મામલાની શરૂઆત બિધાનનગરના સાયબર
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક એફઆઈઆરના આધારે થઈ હતી. આ ફરિયાદમાં ખોટી રીતે નાણાકીય
વ્યવહારો કરવા, ગેરકાનૂની રીતે ભંડોળ એકઠું કરવા અને રાજકીય પક્ષના
ચોક્કસ બેંક ખાતાઓ દ્વારા શંકાસ્પદ ફંડને અહીંતહીં ટ્રાન્સફર કરવાનો ગંભીર આરોપ લગાવવામાં
આવ્યો હતો. આ મામલે એક્શન લેતાં ઇડીએ પીએમએલએની કલમ 17 (1એ) હેઠળ કાર્યવાહી કરીને ત્રણ
બેંકખાતાંઓમાં જમા થયેલા કુલ 440.42 કરોડ
રૂપિયા ફ્રીઝ કરી દીધા હતા. ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે, એપ્રિલ 2023થી જૂન 2026ના ગાળા દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના
બેંક ખાતાંઓમાંથી મેસર્સ કેરવેલ એવીએશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને તેની સહયોગી સંસ્થાઓને
આશરે 160 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા
હતા.