માંડવી, તા.
20 : આઠ દાયકા સુધી રંકથી રાયનો વિશ્વાસ પેદા કરવો અને તેને ટકાવી રાખવો એ નેત્રદીપકતા
`કચ્છમિત્ર'એ બરકરાર રાખી છે. અંતરિયાળ વિસ્તારો સુધી જનતાની
જબાન તરીકે ઊભરી રહેલા આ માધ્યમે સંસ્થાઓને દાન મેળવવામાં સેતુબંધ સંધાન પ્રસ્થાપિત
કર્યું તે કાબિલેદાદ છે, એમ આ બંદરીય શહેરમાં કચ્છમિત્ર બ્યૂરોના
ઉપક્રમે જન્મોત્સવ અવસરે લાગણીઓ વ્યક્ત કરતાં વક્તાઓએ કહ્યું હતું. આ બંદરીય શહેરમાં
ચેમ્બર ઓફ કોમર્સના સભાખંડમાં નગરસેવા સદનના અધ્યક્ષા વર્ષાબેન વિનેશ જોશીએ મંચસ્થો
સાથે કેક કાપીને કચ્છમિત્ર પરિવાર અને વાચકોને વધાઇ પાઠવતાં સાચા અર્થમાં કચ્છમિત્રએ
`િમત્રતા'
સ્થાપી હોવાનું કહી શુભકામનાઓ આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ
દોશીએ કચ્છમાં વિવિધ સેવાકીય કાર્યો માટેની સંસ્થાઓ, દાનવીરો
અને લાભાર્થીઓ વચ્ચે મજબૂત કડીરૂપ કચ્છમિત્રને મૂલવતાં આપત્તિકાળે એને જનતાનો અવાજ
ગણાવ્યું હતું. અહીંના બ્યૂરો ચીફ દેવેન્દ્ર વ્યાસે કચ્છમિત્રની વિશ્વસનીયતા કેવળ હમવતનીઓ
પૂરતી જ નહીં પરંતુ પરપ્રદેશીઓ જ નહીં વિદેશીઓ માટે પણ આધારસ્તંભ રહી છે. પૂર્વ નગરપતિ
રસિકભાઇ દોશીએ સમયના બદલાવ સાથે નવા પરિમાણો અને અપેક્ષા તરફ વધુ કદમતાલને સમયનો સાદ
કહીને કચ્છમિત્રને કચ્છના પર્યાય તરીકે ગણાવ્યું હતું. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના
મંત્રી શાંતિલાલભાઇ ગણાત્રાએ સ્પર્ધાત્મકતા વચ્ચે કચ્છમિત્રને સામાજિક ઉત્તરદાયિત્વ
અદા કરનાર માધ્યમ કહ્યું હતું. સારસ્વતમના મુલેશભાઇ દોશીએ ભરોસેદાર મિત્ર અને વલોપાત,
વિષમતા અને વિવિધતામાં જબાન કહ્યું હતું. ડો. આદિત્યભાઇ ચંદારાણાએ પોતાને
કચ્છમિત્રના પરિવારજન લેખાવી તેને પ્રાદેશિક નહીં રાષ્ટ્રીય સ્તરનું અખબાર મૂલવ્યું
હતું. તાલુકા પંચાયત સત્તાપક્ષના નેતા, મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઇ
ગોરે યોગાનુયોગ પોતાનો જન્મદિન પણ આગળ કરતાં તેને કચ્છીયતનો આયનો કહ્યું હતું. જાયન્ટ્સના
ડોક્ટર સેલના ડો. સંજયભાઇ કોઠારીએ જાગૃત પ્રહરી અને સમરસતાનું વાહક કહ્યું હતું. અંધ
અપંગના પ્રમુખ દિનેશ શાહે આરોગ્ય સેવા સહિતમાં વિશ્વસનીય સંદેશવાહક અને દાનનું માધ્યમ
કહ્યું હતું. ચેમ્બરના ખજાનચી ચંદ્રસેનભાઇ કોટકે જનતાનું વહાલું કહ્યું હતું. આ પ્રસંગે
દેવેન્દ્ર વ્યાસ અને જયેશ શાહનું અભિવાદન કરાયું હતું. પ્રતિનિધિ જયેશ શાહ જોડાયા હતા.
આયોજન નરેન્દ્ર મકાણી અને રમણીકલાલ સલાટે સંભાળ્યું હતું.