ઇરાનને પાંચ દિવસની મહેતલની ડોનાલ્ડ ટ્રમ્પની વાતોની કોઇ અસર
ન થઇ અને અખાતી યુદ્ધ બેહદ ગંભીર તબક્કે પહોંચી ચૂક્યું છે. દુનિયાના મોટાભાગના દેશો
સુધી યુદ્ધની અસર થઇ છે. મોંઘવારી લબકારા મારી રહી છે. ખનિજ તેલની અછતને લીધે ખુદ યુદ્ધના
જન્મદાતા અમેરિકામાંય તેલની કિંમતો વધી ગઇ છે. અમેરિકા અને યુરોપના દેશોમાં પ્રેસિડેન્ટ
સામે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે પરંતુ ટ્રમ્પને તેની પરવા નથી. આ લખાય છે ત્યારે મંગળવારે
યુદ્ધની સ્થિતિ વધુ વિસ્ફોટક બની છે. અમેરિકાએ ઇરાનના ઇસ્ફહાન હથિયાર ડેપોને બંકર બોમ્બ
ઝીંકીને નષ્ટ કરી નાખ્યો છે. અહીં ઇરાનનો યુરેનિયમ ભંડાર અને યુરેનિયમ પ્રોસેસિંગ સિસ્ટમ
ઉપરાંત મિસાઇલોનો સ્ટોક રહેતો હોવાનું મનાય છે. ઇસ્ફાહાન ડેપો પરનો હુમલો ઇરાન માટે
મોટું નુકસાન મનાય છે. હોર્મુઝ પરનો કબજો ખાલી કરી દેવા માટે ઇરાનને રોજ નવી ધમકી આપી
રહેલા ટ્રમ્પે તેહરાનને પીવાનું પાણી બનાવતા પ્લાન્ટ નષ્ટ કરી નાખવાની ચેતવણી આપી છે.
ઇરાને વળતા જવાબમાં કહ્યું છે કે, અમેરિકા આવું કોઇ પગલું ભરશે તો તે
બીજા અખાતી દેશોના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉડાવી નાખશે. અહીં એ નોંધનીય છે કે,
રણ વિસ્તાર એવા અખાતી દેશો પીવાના પાણી માટે સમુદ્રની જળ આધારિત સિસ્ટમ
પર નિર્ભર છે. યુદ્ધમાં ડિસેલિનેશન પ્લાન્ટ તબાહ થાય તો અખાતી દેશોની જીવનરેખા કપાઇ
જાય. દરમ્યાન હોર્મુઝ ખાડીના જહાજ વ્યવહાર ઇરાને બાધિત કરતાં દુનિયાના દેશોમાં તેલ-ગેસ
પુરવઠાની તંગી સર્જાઇ છે. સ્પેન અને ફ્રાંસ બાદ ઇટાલીએ પણ અમેરિકાનાં યુદ્ધજહાજોને
ઊતરવાની સુવિધા આપવાનો ઇન્કાર કરી દેતાં ટ્રમ્પ એકલા પડી ગયા છે. ધૂંધવાયેલા પ્રમુખે
યુરોપના દેશોને કહ્યું છે કે, તમને એર ફયુઅલ જોઇતું હોય તો હોર્મુઝમાં
તાકાત લગાવીને મેળવી આવો અથવા અમેરિકા પાસેથી ખરીદો. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા તમારા હિતો માટે હવે નહીં લડે કેમ કે, તમે પડખે
ઊભવા તૈયાર નથી. ટૂંકમાં આ લડાઇએ ચોમેર વિખવાદ જગાવ્યો છે. ઇઝરાયલ લેબેનોન પર લગાતાર
હુમલા કરી રહ્યું છે, તો ઇરાનના મિસાઇલો તેલ અવીવ અને બીજી ઇઝરાયલી
નગરો પર ખાબકે છે. યુદ્ધની આગ શાંત થવાનું નામ નથી લેતી. કેમ કે, કોઇ નમતું જોખવા તૈયાર નથી. ટ્રમ્પની સ્થિતિ એવી છે કે, એ યુદ્ધ મેદાન છોડી શકતા નથી. મરણિયા પ્રયાસમાં એ ઇરાનમાં સૈનિકો ઉતારીને જમીની
કાર્યવાહી કરે એવી સંભાવના છે. 2500 મરીન કમાન્ડો સાથે અમેરિકી યુદ્ધજહાજ યુએએસ ટ્રિપોલી ઇરાનની
નજીક મંડરાઇ રહ્યું છે. એ જ રીતે 82મી એરબોર્ન ડિવિઝન 2000 પેરા ટ્રુપર્સ મોકલવામાં આવી રહ્યા છે. વધુ એક યુદ્ધજહાજ યુએસએ
બોક્સર પણ 2300 મરીન કમાન્ડો સાથે ઇરાન તરફ
આગળ ધપી રહ્યું છે. આમ, 7000 અમેરિકી સૈનિકો ઇરાન નજીક હશે
અને મધ્ય-પૂર્વમાં 50 હજાર પહેલેથી
જ મોજૂદ છે. સંકેત એવા છે કે, અમેરિકા
વાતચીતનો રસ્તો (પોતાની શરતે) ચકાસી રહ્યું છે. સાથે ભૂમિગત હુમલાની તૈયારીએ જોરશોરથી
ચાલી રહી છે. જમીની લડાઇ થઇ તો ઇરાનનું મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર ખાર્ગ દ્વીપ કબજે લેવાની
ટ્રમ્પની ગણતરી છે. તેઓ કહી ચૂક્યા છે કે, ઇરાની તેલ ભંડારો મેળવવાનું
તેમને ગમશે. એ સિવાય હોર્મુઝ ખાડીનો જળવ્યવહાર નિયંત્રણમુક્ત કરશે. ઉપરાંત ઇરાનના શત્રભંડાર
અને અણુ પ્રતિષ્ઠાનો પણ અમેરિકી ફોજની રણનીતિનો ભાગ રહેશે. બીજીતરફ ઇરાન પણ આ સ્થિતિનો
સામનો કરવા જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. દરેક નાગરિક અને બાળકો સહિત દસેક લાખ સૈનિકોની
ફોજ એકત્ર હોવાનો તેહરાને હુંકાર કર્યો છે. એક ગંભીર ઘટનામાં ઇરાને અમેરિકન કંપનીઓ
ગૂગલ, માઇક્રોસોફટ, એપલના પ્રતિષ્ઠાનો પર હુમલાની ચેતવણી આપી છે. ઇરાન ગેરિલા
યુદ્ધની રણનીતિ અપનાવશે તો અમેરિકી સૈનિકોએ પણ નુકસાન સહન કરવા તૈયાર રહેવું પડશે.
આ યુદ્ધથી દુનિયા ત્રસ્ત છે. લાંબી મંદીના ભણકારા ડરાવી રહ્યા છે. શેરબજારો જમીનદોસ્ત
છે. કોઇ ચમત્કાર થાય તો લડાઇ રોકાય એવી પ્રાર્થના કરીએ.