નવી દિલ્હી, તા. 31 : કેન્દ્ર સરકારે આઈટી નિયમન-2021માં સુધારાનો નવો મુસદ્દો જારી કર્યો છે જેમાં હવે સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ્સ પર સરકારી સકંજો વધશે. સરકારની ગાઈડલાઈન્સ અને નિયમોનું પાલન નહીં થાય
તો સંબંધિત ડિજિટલ મીડિયા કંપનનીઓ સીધી રીતે જવાબદાર ઠરાવી શકશે સાથે જ સરકાર સ્વતંત્ર
અને વ્યક્તિગત ન્યૂઝ ક્રિએટરોને પણ બ્લોક કરી
શકશે. આ બદલાવને લીધે અમુક અંશે અફવાઓ પર લગામ લાગવાની આશા છે તો બીજી તરફ સોશિયલ મીડિયામાં
સરકારી સેન્સરશિપ વધવાની આશંકા પણ છે. નવા
નિયમો મુજબ જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સરકારની એડવાઈઝરી કે ગાઈડલાઈન્સ માનશે નહીં
તો તેમને સેફ હાર્બર તળે મળતું કાયદાકીય કવચ ખતમ કરી દેવાશે. યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં
આવેલા દરેક કન્ટેન્ટ માટે હવે આ પ્લેટફોર્મ્સ જવાબદાર ઠરાવી શકાશે. હાલ 14મી એપ્રિલ સુધી સરકારે આ મુસદ્દા પર જાહેર
સૂચનો અને વાંધાઓ માગ્યા છે. - ડેટા ડિલિટ
કરી શકાશે નહીં : નવા નિયમ
અનુસાર જો કોઈ અન્ય કાયદા હેઠળ અમુક ડેટા સુરક્ષિત રાખવો જરૂરી હશે તો સોશિયલ મીડિયા
મંચો એ ડેટાને ડિલિટ કરી શકશે નહીં. નાણા, વેરા કે તપાસને લગતો ડેટા પણ સુરક્ષિત રાખવો પડશે. - યુઝર્સની પોસ્ટ પણ બ્લોક થશે. : સરકાર હવે
દરેક વ્યક્તિગત પોસ્ટ પર નજર રાખશે અને તેને કોઈ પોસ્ટ અયોગ્ય લાગશે તો એ પોસ્ટ બ્લોક
કરી શકશે. હવે કોઈ પ્રકાશન હેઠળ કામ નહીં કરતા સ્વતંત્ર ન્યૂઝ ક્રિએટરોના સમાચારો બ્લોક
થઈ શકશે અને જે-તે પોસ્ટ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જવાબદાર ઠરાવી શકાશે. હાલ
ડિજિટલ મીડિયા એથિક્સ કોડ માત્ર ન્યૂઝ પબ્લિશરો પર જ લાગુ થતો હતો. હવે આવા દરેક યુઝર
તેના દાયરામાં આવી જશે. - શું છે સેફ
હાર્બર? : સેફ હાર્બર એટલે કાનૂની કવચ. અત્યાર સુધી એવું હતું કે કોઈ યુઝરે
એક પ્લેટફોર્મ પર કોઈ ખોટી કે અયોગ્ય પોસ્ટ કે વીડિયો મૂક્યા છે તો તેના માટે એ પ્લેટફોર્મ
અને કંપનીને જવાબદાર ઠરાવી શકાતી નહીં પણ હવે એ કવચ હટી શકે છે. - સરકાર સેન્સરશિપ લગાવે છે
: ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન : આઈટી નિયમોના બદલાવને લીધે અયોગ્ય પોસ્ટ
ઓછી થઈ જશે પણ સાથે જ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે અને ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને આક્ષેપ
કર્યો છે કે સરકાર સેન્સરશિપ ઈચ્છે છે.