• બુધવાર, 01 એપ્રિલ, 2026

ભુજમાં મામાની `પાલીસ' કરનાર ભાણેજ જબ્બે

ભુજ, તા. 31 : વર્ષોથી બનેવી પાસે આરોપી રહી ઘરેણાંની પાલીસ કરતા શખ્સે બનેવી બહારગામ જતા હોવાથી તેણે સુરતથી ભાણેજને પાલીસ કામ અર્થે બોલાવ્યો પરંતુ પાલીસ માટેના આવેલા 27.82 લાખના સોનાનાં ઘરેણાં આ ભાણેજ ચોરીને રફુચક્કર થઇ જતાં ફરિયાદ નોંધાઇ અને ગણતરીના કલાકોમાં જ પોલીસે તેને ચોરાઉ મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. આ બનાવ અંગે આજે બી-ડિવિઝન પોલીસ મથકે મૂળ પશ્ચિમ બંગાળના હાલે બાપા દયાળુનગર-1 ખાતે રહેતા અમજદઅલી અલ્લારખા શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ તે છેલ્લા દસ વર્ષથી તેના બનેવી આબિદઅલી સાથે ધોબી શેરીમાં આવેલી ઘરેણા પાલીસ કરવાની દુકાનમાં પાલીસનું કામ કરે છે. બનેવી આબિદઅલીના દીકરાના નિકાહ હોવાથી તે દિવસ પહેલાં વતન ગયા હતા. આથી ફરિયાદી અમજદઅલીએ તેના ભાણેજ બાદશાહઅલી ઇદ્રીશઅલી શેખ જે સુરતમાં ઘરેણા પાલીસનું કામ કરે છે તેને કામની મદદ માટે ભુજ બોલાવ્યો હતો. ગઇકાલે 30મીના કાયમી ગ્રાહક જેનિસ પોમલે સોનાંનાં ઘરેણાં પાલીસ કરવાનો ઓર્ડર આપ્યો હતો. તેના સોનાંનાં ઘરેણા ચાર હાર, બે પાયલ અને પેન્ડલ જેનું વજન 197.46 ગ્રામ હતું, જે રાતે પાલીસ કરીને સાથે ઘરે બાપા દયાળુપગર લઇ ગયા હતા અને તિજોરીમાં રાખી દીધા હતા. આજે સવારે ઊઠીને ફરિયાદી જમવાનું  બનાવતા હતા ત્યારે ભાણેજ બાદશાહઅલી ફોન પર વાત કરતો હતો અને બહાર નીકળી ગયો હતો. ફરિયાદી દુકાને જવા નીકળેલ અને તિજોરી ખોલી જોતાં તેમાં રાતે રાખેલાં ઘરેણાં જોવામાં આવ્યાં ન હતાં. બહાર નીકળી બાદશાહઅલીની તપાસ કરતાં તે પણ ક્યાંય જોવા મળ્યો ન હતો. તેને ફોન કરતાં તેનો ફોન બંધ મળ્યો હતો. આમ આ દાગીના તિજોરીમાં રાખ્યાની બાદશાહઅલી સિવાય કોઇને ખબર ન હતી અને તે ગુમ હોવાથી તેણે ચોરી કરી નાસી છૂટયાની ફરિયાદ નોંધાવી હતી. આ બાદ બી-ડિવિઝનના પીઆઇ ડી. ડી. શિમ્પી તથા પીએસઆઇ એચ. એમ. પટેલ દ્વારા આ ચોરીના આરોપી અને મુદ્દામાલને શોધી આપવા સર્વેલન્સ ટીમને માર્ગદર્શન આપતાં ટીમના ઇન્ચાર્જ અરવિંદભાઇ વણકરે રેલવે પોલીસ ગાંધીધામનો સંપર્ક કરી વિગતે વાકેફ કર્યા હતા. હે.કો. લાલજીભાઇ મકવાણા, નરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. નાનુભાઇ કરમટાએ રેલવે પોલીસ ગાંધીધામના પીએસઆઇ પી. આર. સોલંકીની ટીમ સાથે ગાંધીધામના રેલવે મથકે ટ્રેન પકડે તે પહેલાં આરોપી બાદશાહઅલીને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો હતો. 

Panchang

dd