• બુધવાર, 01 એપ્રિલ, 2026

ગુજરાત સામે પંજાબની બલ્લે બલ્લે : ત્રણ વિકેટ જીત

ચંદિગઢ, તા. 31 : અહીંના મુલ્લાનપુરમાં રમાયેલી આઈપીએલની રસાકસીભરી મેચમાં પંજાબ કિંગ્સે કુપર કોનોલીના પાંચ છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે અણનમ 72 રનની મદદથી ગુજરાત ટાઈટન્સ સામે  ત્રણ વિકેટ જીત મેળવી હતી. ગુજરાતે આપેલા 162 રનના લક્ષ્યાંકને આંબવા ઉતરેલી પંજાબે માત્ર સાત રને પ્રિયાંશ આર્યની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ પોતાની પ્રથમ આઈપીએલ મેચ રમતા કુપર કોલીની  અને પ્રભસીમ (24 બોલમાં 37)એ બીજી વિકેટ માટે 76 મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી ટીમને વિજય તરફ દોરી ગયા હતા. એક તબક્કે આસાન લાગતી પંજાબની જીતને  15 ઓવરમાં શશાંક સિંહ (4) અને સ્ટોઈનીસ (0)ને એક જ ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ આઉટ કરીને કિંગ્સને દબાણમાં લાવી દીધું હતું. પરંતુ કોનોલીએ એક છેડો સાચવી ટીમને વિજય અપાવ્યો હતો. ગુજરાત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ ચુસ્ત બોલિંગ કરી 29 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. અગાઉ પંજાબ કિંગ્સની સંગીન બોલિંગ અને ચુસ્ત ફિલ્ડિંગ સામે ગુજરાત ટાઇટન્સ ટીમ 20 ઓવરના અંતે 6 વિકેટે 162 રનના સ્કોર પર અટકી ગઇ હતી. ગુજરાતનો કોઇ બેટર્સ મોટી ઇનિંગ્સ રમી શકયો ન હતો અને મોટી ભાગીદારી થઇ ન હતી. બીજી તરફ પંજાબ તરફથી વિજયકુમાર વૈશાખને 34 રનમાં 3 વિકેટ મળી હતી, જ્યારે અનુભવી સ્પિનર ચહલે 2 વિકેટ લીધી હતી. યાનસને 4 ઓવરમાં માત્ર 20 રન આપી 1 વિકેટ લીધી હતી. અર્શદીપે ઇનિંગ્સની છેલ્લી ઓવર 11 દડાની ફેંકી હતી, જેમાં 4 વાઇડ અને 1 નો-બોલ હતો.  ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન શુભમન ગિલે 27 દડામાં 6 ચોગ્ગાથી 39 રન કર્યાં હતા, જ્યારે બટલરે 33 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 38 રનનું અને ગ્લેન ફિલિપ્સે 2પ રનનું યોગદાન આપ્યું હતું. સુંદર 18 રને અને શાહરૂખ 4 રને આઉટ થયા હતા. તેવતિયા 11 અને રાશિદ ઝીરો સાથે નોટઆઉટ રહ્યા હતા. જીટી ઇનિંગ્સમાં ફકત 3 સિકસ જ લાગી હતી, જ્યારે ચોગ્ગાની સંખ્યા 1પ હતી. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. 

Panchang

dd