• બુધવાર, 01 એપ્રિલ, 2026

કચ્છના અનેક વિસ્તારમાં છવાયો ધાબડિયો માહોલ

ભુજ, તા. 31 : પશ્ચિમી વિક્ષોભની અસર તળે કચ્છના અનેક વિસ્તારોમાં ધાબડિયો માહોલ છવાતાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું હતું. હવામાન વિભાગે બીજી અને ત્રીજી એપ્રિલે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી યથાવત્ રાખી છે. ધૂંધળા વાતાવરણમાં મહત્તમ પારો ગગડતાં તાપમાં રાહત અનુભવાઈ હતી. જિલ્લા મથક ભુજ, મુંદરા સહિતના વિસ્તારોમાં ખાસ કરીને બપોર બાદ આકાશમાં વાદળોનો વ્યાપક જમાવડો જોવા મળ્યો હતો. નખત્રાણા તાલુકામાં કેટલાક સ્થળે  અમી છાંટણા પડયાના અહેવાલ મળ્યા છે. ચૈત્ર માસના આરંભથી જ સતત ધાબડિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારથી વરસાદી વાદળાથી ધાબડિયા વાતાવરણ સાથે વેગીલો પવન ફૂંકાયો હતો. અને જૂજ છાંટા પડયા હતા. ચૈત્ર માસમાં આ પ્રકારના વાતાવરણથી આગામી ચોમાસામાં પણ શ્રીકાર વરસાદ થવાની આશા જાગી છે. જિલ્લામાં મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી તો લઘુતમ પારો 19થી 22 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. વેગીલા પવન ફૂંકાવા સાથે વાદળછાયું વાતાવરણ યથાવત્ રહેતાં જનસ્વાસ્થ્ય પર તેની વિપરિત અસર પડતી જોવા મળી હતી. માવઠાનું સંકટ પૂર્ણપણે ટળ્યું ન હોવાથી ખેડૂતોના મોઢા પર ચિંતાની લકીરો છવાયેલી જોવા મળી રહી છે. 

Panchang

dd